ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ: યુદ્ધના ધોરણે કામગીરી

રાજ્યમાં તાજેતરમાં સર્જાયેલી ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ચોમાસા પહેલાં અને દરમિયાન 34 જિલ્લા…

રાજ્યમાં તાજેતરમાં સર્જાયેલી ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ચોમાસા પહેલાં અને દરમિયાન 34 જિલ્લા તથા 8 મહાનગરપાલિકાઓ માટે તૈયાર કરાયેલા મોનસૂન એક્શન પ્લાનને કારણે કોઈ મોટી આરોગ્ય કટોકટી સર્જાઈ નથી અને રોગચાળો મહદઅંશે નિયંત્રણમાં રહ્યો છે.

રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ 24ડ્ઢ7 આરોગ્ય કંટ્રોલ રૂૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 6,868 મેડિકલ કેમ્પ યોજીને 1.74 લાખથી વધુ નાગરિકોની સ્થળ પર જ તપાસ અને સારવાર કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 675 સગર્ભા માતાઓને અગાઉથી સુરક્ષિત આરોગ્ય સંસ્થાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 272ની સફળ સંસ્થાગત પ્રસૂતિ કરાવવામાં આવી છે.
રોગચાળા નિયંત્રણ માટે 18,000થી વધુ સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે-ઘરે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ ટીમોએ 1.05 કરોડથી વધુ ક્લોરીન ટેબ્લેટ્સ અને 10.29 લાખથી વધુ ORS પેકેટ્સનું વિતરણ કર્યું છે. પીવાના પાણીની ગુણવત્તા જાળવવા 10.52 લાખથી વધુ રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરાયા છે અને પાઇપલાઇનમાં પડેલા 3,061થી વધુ લીકેજનું તાત્કાલિક સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

કટોકટી માટે 1,496 – 108 એમ્બ્યુલન્સ, 816 PHC/CHC એમ્બ્યુલન્સ તથા તમામ આરોગ્ય કેન્દ્રો પર જનરેટર અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સર્પદંશ સામે ત્વરિત સારવાર માટે 1,38,234 એન્ટી-સ્નેક વેનમ ઇન્જેક્શન અને 108 એમ્બ્યુલન્સમાં પણ ASV ઉપલબ્ધ રખાયા છે.

દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લાના 562 ગામોમાં 7.61 લાખથી વધુ ઉચ્ચ જોખમ ધરાવતા નાગરિકોને લેપ્ટોસ્પાયરોસીસ અટકાવવા કેમોપ્રોફાયલેક્સિસ (ડોક્સિસાયક્લિન) આપવામાં આવી છે. વાહકજન્ય રોગો અટકાવવા વધારાની 497 વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે. 106 હાઇરિસ્ક ગામોમાં IRS સ્પ્રેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને 1 ઓગસ્ટથી બીજો રાઉન્ડ શરૂૂ કરાયો છે. મચ્છરોનું ઉત્પાદન અટકાવવા 4,998 પાણીના સંગ્રહસ્થાનોમાં ગંભૂસિયા માછલીઓ મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગના સ્ટાફ, આશા બહેનો અને વેક્ટર કંટ્રોલ ટીમો દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ અને કટિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *