પાન-ફાકી-ગુટખા-તમાકુના શોખીન ગુજરાતમાં કેન્સરથી રોજ 119 જિંદગી કેન્સલ, દૈનિક 217 નવા દર્દી

પાન-ફાકી-ગુટખા અને તમાકુના શોખીન ગુજરાતમાં કેન્સરના કેસો અને મૃત્યુમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2025માં રાજ્યમાં 79,000થી વધુ નવા કેન્સર કેસો નોંધાયા…

પાન-ફાકી-ગુટખા અને તમાકુના શોખીન ગુજરાતમાં કેન્સરના કેસો અને મૃત્યુમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2025માં રાજ્યમાં 79,000થી વધુ નવા કેન્સર કેસો નોંધાયા હતા, જ્યારે 43,500થી વધુ લોકોનું કેન્સરને કારણે મૃત્યુ થયું હતું. 2021ની સરખામણીએ કેસો અને મૃત્યુ બંનેમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં રોજ સરેરાશ 217 નવા કેન્સર કેસો નોંધાય છે અને 119 લોકોનું કેન્સરને કારણે મૃત્યુ થાય છે. આથી રાજ્યમાં આ રોગનો ભાર સતત વધી રહ્યો છે.વર્ષ 2021માં ગુજરાતમાં 71,507 કેન્સર કેસો અને 39,238 મૃત્યુ નોંધાયા હતા. 2025 સુધીમાં કેસોની સંખ્યા આશરે 79,000 સુધી પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુની સંખ્યા 43,500ને પાર કરી ગઈ છે. 2025ના આંકડા આધારે કેન્સરને કારણે થતા મૃત્યુમાં ગુજરાત ભારતના રાજ્યોમાં નવમા ક્રમે છે. સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે, જ્યાં 1.25 લાખથી વધુ લોકોનું અવસાન થયું હતું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ કેમ્પસમાં આવેલા ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ)ના આંકડા મુજબ પુરુષોમાં મોંનું કેન્સર (ઓરલ કેન્સર) સૌથી સામાન્ય રહ્યું છે. 2025માં 1,931 કેસો નોંધાયા હતા, જે 2021માં 1,726 હતા. મહિલાઓમાં સ્તન કેન્સર સૌથી વધુ જોવા મળ્યું છે. 2025માં 1,456 કેસો નોંધાયા હતા, જે 2021માં 1,385 હતા.અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્સર હોસ્પિટલમાં 2025માં (નવેમ્બર સુધી) 26,810થી વધુ નવા દર્દીઓ નોંધાયા હતા. ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. સૌથી વધુ દર્દીઓ મધ્ય પ્રદેશમાંથી (4,572) આવ્યા હતા. ત્યારબાદ રાજસ્થાન (2,678), ઉત્તર પ્રદેશ (1,094), બિહાર (288) અને મહારાષ્ટ્ર (279)નો ક્રમ આવે છે. આથી આ હોસ્પિટલ પ્રાદેશિક કેન્સર સારવાર કેન્દ્ર તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

દર 10માંથી 1 દર્દી કેન્સરનો, 5 વર્ષમાં કેસ અને મૃત્યુમાં 10 ટકાનો વધારો
ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં થઈ રહેલો અસાધારણ વધારો અને તેના કારણે વધી રહેલા મૃત્યુ આંકડાઓએ સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્રની ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર ગુજરાતમાં સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે અને દર 10 માંથી 1 વ્યક્તિ કેન્સર દર્દી હોવાનું મોટું તારણ સામે આવ્યું છે. આ ઉપરાંત વર્ષ 2021ની સરખામણીએ 2025માં કેન્સરના નવા કેસ અને મૃત્યુ બન્નેમાં 10 ટકા જેવો ચિંતાજનક વધારો નોંધાયો છે. આ આંકડા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક મોટો અને ગંભીર પડકાર બની ગયો છે. નિષ્ણાતોના મતે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે. આ ભયજનક આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સમયસર નિદાન, ઉત્તમ સારવાર અને વ્યાપક જાગૃકતા લાવવી હવે અનિવાર્ય બની ગયું છે. લોકોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *