કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુ

કોંગ્રેસ સાંસદ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડાના પુત્ર દીપેન્દર સિંહ હૂડાએ સંસદ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર મકર દ્વાર બહાર વિરોધ પ્રદર્શન કરીને 2030ના કોમનવેલ્થ…

કોંગ્રેસ સાંસદ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડાના પુત્ર દીપેન્દર સિંહ હૂડાએ સંસદ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર મકર દ્વાર બહાર વિરોધ પ્રદર્શન કરીને 2030ના કોમનવેલ્થ ગેમ્સ હરિયાણામાં યોજવાની અથવા રાજ્યને સહ-યજમાન બનાવવાની માંગ કરી છે. તેમની સાથે અન્ય કોંગ્રેસ સાંસદો પણ જોડાયા હતા.
હૂડાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તાજેતરમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 13 સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. તેમાંથી સાત સુવર્ણ ચંદ્રક એકલા હરિયાણાના ખેલાડીઓએ મેળવ્યા હતા. આ પ્રદર્શન હરિયાણાની રમતગમતની ક્ષમતા અને યોગદાનને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

તેમણે કહ્યું, અમારી માંગ છે કે 2030ના કોમનવેલ્થ ગેમ્સ હરિયાણામાં યોજાય. કાં તો હરિયાણા આ ગેમ્સનું આયોજન કરે અથવા તેને સહ-યજમાન રાજ્ય બનાવવામાં આવે. જ્યારે આ ગેમ્સ યોજાશે ત્યારે માળખાગત સુવિધાઓના વિકાસમાં લાખો કરોડ રૂૂપિયાનું રોકાણ થશે.

આનાથી રાજ્યની રમતગમતની સુવિધાઓમાં મોટો વિકાસ થશે અને યુવાન ખેલાડીઓને નવી તકો મળશે.
હૂડાએ કેન્દ્ર સરકારની ‘ખેલો ઇન્ડિયા’ યોજના હેઠળની બજેટ ફાળવણી પર પણ પ્રહાર કર્યો. તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ ગુજરાતને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે, જ્યારે હરિયાણાને સૌથી ઓછું બજેટ મળ્યું છે. આ અસમાનતા રમતગમતના ક્ષેત્રમાં રાજ્યો વચ્ચેના અસંતુલનને દર્શાવે છે.

નોંધનીય છે કે 2030ના કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ (ગુજરાત)માં યોજાવાનું નક્કી થયું છે. હૂડાએ કહ્યું કે અત્યાર સુધી તેઓ સરકારને અપીલ કરતા રહ્યા છે કે જો ભારતને 2030ના કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સનું આયોજન મળે તો હરિયાણાને સહ-યજમાન તરીકે સામેલ કરવામાં આવે. હવે તેઓ આ માંગને વધુ મજબૂતીપૂર્વક રજૂ કરી રહ્યા છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે આ લડાઈ માત્ર વિરોધ પ્રદર્શન સુધી મર્યાદિત નહીં રહે. અમે આ યુદ્ધ દરેક મોરચે લડીશું સંસદમાં પણ. હરિયાણાના ખેલાડીઓએ દેશ માટે ગૌરવ લાવ્યું છે, તેથી રાજ્યને મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ, તેમણે કહ્યું.

હૂડાના આ વિરોધ પ્રદર્શનથી હરિયાણામાં રમતગમતના માળખાકીય વિકાસ અને કેન્દ્ર સરકારની નીતિઓ અંગે નવી ચર્ચા શરૂૂ થવાની સંભાવના છે. રાજ્યના રમતગમત પ્રેમીઓ અને ખેલાડી સમુદાય આ માંગને સમર્થન આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *