સુરત શહેરમાં મોબાઈલના લતનો એક અત્યંત કરુણ અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને ધોરણ-7માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીએ માત્ર માતા-પિતાએ મોબાઇલ જોતા હોમવર્ક કરવાનું કહેતા જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પરિવારના એકના એક લાડકવાયા દીકરાના આ અંતિમ પગલાંથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત સાંજે આશરે 6:30 વાગ્યાના સુમારે આ કરુણ ઘટના ઘટી હતી. વિદ્યાર્થી આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહેતો હોવાથી માતા-પિતાએ તેને પ્રેમથી ફોન બાજુ પર મૂકીને શાળાનું હોમવર્ક કરવા માટે જણાવ્યું હતું. જોકે, મોબાઇલ ગેમિંગની લતમાં ડૂબેલા માસૂમ બાળકને આ વાતનું ભારે માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવીને તેણે ઘરના રૂૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મૂળ ઓડિશાનો વતની આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી વેડ રોડ ખાતે આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહે છે. પરિવારમાં માતા-પિતા, એક બહેન અને આ 13 વર્ષીય મૃતક દીકરો સમાવિષ્ટ હતા. પિતા લૂમ્સના ખાતામાં રાત-દિવસ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં એકનો એક દીકરો હોવાથી તે સૌનો ખૂબ જ લાડકવાયો હતો. મૃતક વિદ્યાર્થી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેડ રોડ સ્થિત શાળા નંબર 331માં ધોરણ-7માં અભ્યાસ કરતો હતો.
બનાવ અંગે મૃતક બાળકના પરિચિત દીપેશ સોનીકરે વિગતો આપતા જણાવ્યું હતું કે, બાળકની માનસિક સ્થિતિ થોડી અસ્વસ્થ રહેતી હતી અને તે ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવનો હતો. માતા-પિતા કે પરિવારજનો દ્વારા કંઈ પણ ટોકવામાં આવે ત્યારે ઉશ્કેરાઇ જતો હતો.
ઘટનાના કારણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, બાળકને મોબાઈલ ગેમિંગની ભારે લત લાગી હતી. માતા-પિતાએ તેને કોઈ ઠપકો પણ આપ્યો ન હતો, માત્ર હોમવર્ક કરવા માટે જ કહ્યું હતું. પરંતુ મોબાઈલના કારણે બાળક વધુ પડતો જિદ્દી બની ગયો હતો. આ સાથે ગેમ્સના કારણે બાળકના મગજ પર નકારાત્મક અસર પડી હતી અને તેણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
