નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર (ક્રાંતિ) તથા અન્ય ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોની પાક ધિરાણ માફ કરવા, ખરીફ પાકના નુકસાન બદલ પ્રતિ હેકટર ધિરાણ તેમજ વીજપોલ અને વીજ વાયરો સંબંધીત પરિપત્ર રદ કરી યોગ્ય ભાડુ ચૂકવવાની માંગ સાથે મુખ્યમંત્રી, નાણામંત્રી, મહેસુલ મંત્રી, કૃષિમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદન પાઠવવામાં આવ્યુ છે.
આવેદનમાં જણાવાયુ હતુ કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વીજ કંપનીઓ ખેડૂતોની જમીનમાં તેમની સંમતિ વિના બળજબરીપૂર્વક વીજ પોલ અને વીજ વાયરો સ્થાપિત કરી રહી છે. આ બાબતે ખેડૂતો સતત ઉપવાસ, ધરણા, પ્રતીક ઉપવાસ અને રેલી જેવા લોકશાહી કાર્યક્રમો દ્વારા પોતાની રજૂઆતો કરી રહ્યા છે.
ખેડૂતોની મુખ્ય માંગણી છે કે રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો હાલનો પરિપત્ર રદ કરવામાં આવે અને જ્યાં સુધી ખેડૂતોની જમીનમાં વીજ પોલ અથવા વીજ વાયરો રહેશે ત્યાં સુધી તેમને માસિક અથવા વાર્ષિક ધોરણે યોગ્ય ભાડું ચૂકવવામાં આવે. વીજ પોલ અને વાયરોના કારણે જમીનની કિંમત તથા ઉપયોગિતા ઘટે છે, તેથી વીજ ટ્રાન્સમિશન માટે ઉપયોગમાં લેવાતા કોરિડોરનું અલગ ભાડું તેમજ મોટા વીજ પોલ માટે અલગ ભાડું નક્કી કરવામાં આવે. વીજ કંપનીઓ જમીનનો ઉપયોગ કરીને નફો કમાય છે, તેથી ખેડૂતોને પણ તેનો યોગ્ય હિસ્સો મળવો જોઈએ.
જ્યાં જ્યાં ખેડૂતોની મંજૂરી વિના બળજબરીથી વીજ પોલ ઉભા કરવામાં આવ્યા હોય ત્યાં તેમની સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જો આવા પોલ દૂર કરવામાં આવે તો જમીનને કંપનીના ખર્ચે પૂર્વવત્ સમતળ બનાવી આપવામાં આવે તેમજ ખેડૂતોને થયેલા પાક અને જમીનના નુકસાનનું યોગ્ય વળતર કંપની દ્વારા ચૂકવવામાં આવે. સાથે જ રાજ્યના તમામ ખેડૂતોને ખરીફ સીઝન-2026ના નુકસાનને ધ્યાનમાં રાખીને પ્રતિ હેક્ટર 25,000 મુજબ ચાર હેક્ટરની મર્યાદામાં કુલ ₹1,00,000 સુધીની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી હતી.
