પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ જમાઇએ કેનાલમાં ઝંપલાવ્યું, સસરા અને સાળો બચાવવા કૂદ્યા, જમાઇ તરીને ભાગી ગયો
વાવ-થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર એક દુ:ખદ ઘટના સામે આવી છે. પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ આવેશમાં આવી કેનાલમાં કૂદેલા જમાઈને બચાવવા જતાં પિતા-પુત્રના ડૂબી જવાથી કરૂૂણ મોત નીપજ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે, જે જમાઈને બચાવવા પિતા-પુત્રએ પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી, તે જમાઈ પોતે તરતા આવડતું હોવાથી સહીસલામત બહાર નીકળીને ભાગી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનનો આ પરિવાર એકાદ મહિના પહેલાં જ થરાદના જમડા ગામે ખેતમજૂરી અર્થે આવ્યો હતો. પરિવારમાં પિતા, ત્રણ દીકરા અને એક દીકરી છે. દીકરીના લગ્ન રાજસ્થાન ખાતે થયાં છે અને તેને સંતાનમાં એક નાની દીકરી છે. રવિવારે દીકરીને તેડવા માટે તેનો પતિ (જમાઈ) રાજસ્થાનથી જમડા ગામે આવ્યો હતો. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ કૌટુમ્બિક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુસ્સા અને આવેશમાં આવીને જમાઈ ઘર નજીક આવેલી નર્મદા કેનાલ તરફ દોડ્યો હતો અને સીધો કેનાલમાં કૂદી પડ્યો હતો.
જમાઈને કેનાલમાં પડતો જોઈને સસરા નીલાભાઈ અને સાળો ઈશ્વરભાઈ એક પણ પળનો વિચાર કર્યા વિના તેની પાછળ દોડ્યા હતા. પોતાની દીકરીનો સંસાર ન ઉજડે તે માટે પિતા-પુત્ર બંનેએ કેનાલના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. પરંતુ, કમનસીબે પિતા-પુત્રને એ વાતની જાણ નહોતી કે જમાઈ એક કુશળ તરણહાર છે! કેનાલમાં પડ્યા બાદ જમાઈ પોતાની જાતે તરીને સહીસલામત બહાર નીકળી ગયો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ, તેને બચાવવા કૂદેલા સસરા અને સાળાને તરતાં ન આવડતું હોવાથી તેઓ નર્મદાના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકો અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે કેનાલમાં બચાવ કામગીરી શરૂૂ કરી હતી. લગભગ 18 કલાકની ભારે જહેમત બાદ પિતા-પુત્ર બંનેના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કેનાલમાંથી સહીસલામત બહાર નીકળેલો જમાઈ હાલ તેના કોઈ સગાં-સંબંધાને ત્યાં હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, પરંતુ તેનો કોઈ સીધો સંપર્ક થઈ શક્યો નથી.
