ઘનશ્યામસિંહ મારી પર હુમલો કરશે તેવું લાગતા મેં જ તેને શોધી મારી નાખ્યો: આરોપીનું રટણ

શહેરના ભક્તિનગર સર્કલ તરફ જતાં રસ્તે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે જીઇબીના ટ્રાન્સફોર્મર સામે શનિવારે સાંજે સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટી-3માં રહેતાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા (ઉ.વ.42) નામના…

શહેરના ભક્તિનગર સર્કલ તરફ જતાં રસ્તે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે જીઇબીના ટ્રાન્સફોર્મર સામે શનિવારે સાંજે સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટી-3માં રહેતાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા (ઉ.વ.42) નામના યુવાન પર નાણાવટી ચોક નાઇન્થ એવન્યુ આઇ વીંગ ફલેટ નં. 102માં રેહતાં તેના કુટુંબી સગા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.29)એ છરીથી હુમલો કરી સાતેક ધા મારી દેતાં ધનશ્યામસિંહને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા બાદ રવિવારે તેમણે દમ તોડી દેતાં ભક્તિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કલાકોમાં આરોપી ધર્મેન્દ્રસિંહને લીંબડી નજીકથી પકડી લીધો હતો. પ્રેમપ્રકરણના કારણે અગાઉ થયેલી માથાકુટ-હત્યાની કોશિષના બનાવના મનદુ:ખમાં આ હત્યા થયાનું ખુલ્યું છે.

તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર ધનશ્યામસિંહ વાઘેલાને આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાભી સાથે ફોનમાં વાત કરવાના સંબંધ હતાં. આ કારણે બે વર્ષ પહેલા 2024માં મૃતક ઘનશ્યામસિંહ અને તેના પિતા અનુપસિંહ વાઘેલા સહિતના પાટણવાવના ભાડેર ગામે માતાજીના હવનમાં ગયા ત્યારે આરોપી ધર્મેન્દ્રસિંહના મોટા ભાઇ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાડેર ગામે આવી તું કેમ મારી ઘરવાળી સાથે ફોનમાં વાતો કરે છે? તેમ કહી ગાળો દઇ ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલાને છરીના ઘા મારી દીધા હતાં. તે વખતે પિતા અનુપસિંહ વચ્ચે પડતાં તેને પણ છરીના ઘા ઝીંકાયા હતાં. પાટણવાવ પોલીસે તે વખતે 13/10/24ના રોજ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો.

ભક્તિનગર પોલીસે આ બનાવમાં અનુપસિંહ કેશુભા વાઘેલાની ફરિયાદ પરથી હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાને ઝડપી લેવા દોડધામ શરૂૂ કરી હતી. ત્યાં સારવાર દરમિયાન ધનશ્યામસિંહનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. મોટા ભાઇ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા વિરૂૂધ્ધ પાટણવાવમાં નોંધાયેલા હત્યાની કોશિષના કેસમાં સમાધાન ન થતાં ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહના 29 વર્ષીય નાના ભાઈ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને તેની સાથેના એક અજાણ્યા શખસે કાવતરું રચ્યું હતું. બનાવના દિવસે બંને આરોપીઓએ એક્ટિવા બાઇક પર રેકી કરી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમાર તથા પીએસઆઇ એસ.એચ. ગોહીલ, જે.બી. રાણીંગા, પી.બી. વારોતરીયા તથા એએસઆઇ નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં લીંબડી ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો. છરી ઘટના સ્થળેથી જ પોલીસને મળી આવી હતી.

આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રટણ કર્યું હતું કે બનાવના પાંચેક દિવસ પહેલા મૃતક ઘનશ્યામસિંહે મને મારા ઘર પાસે જઇ તેને પચાસ જેટલા ફોનકોલ્સ કર્યા હતાં. પણ મેં રિસીવ કર્યા નહોતાં.તે મને મારવા માટે ફોન કરતો હોવાનું લાગતાં મેં જ તેને શોધીને હુમલો કરી દીધો હતો. વિશેષ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *