શહેરમાં કોઠારીયા સોલવન્ટમાં 12 વર્ષની બાળકીની છેડતી કરવા મુદ્દે મામા-ભાણેજના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મામા-ભાણેજને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિતળાધાર પચ્ચીસવારીયામાં રહેતા કૈલાસ કાનજીભાઈ સોલંકી (ઉ.32) સાંજના સાતેક વાગ્યાના અરસામાં કોઠારીયા ગામ પાસે હતો ત્યારે તેના મામા અજય મકવાણા, સાગર મકવાણા, પિતરાઈ સંજય અને અજય સહિતના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. જ્યારે વડતાં પ્રહારમાં અજય મનજી મકવાણા (ઉ.40) ઉપર કૈલાસ અને દેવાભાઈ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો.
મારામારીમાં ઘવાયેલા મામા-ભાણેજને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં કૈલાસની સાળીની 12 વર્ષની દીકરીની અજયે છેડતી કરતાં મારામારી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે અજય છકડો રીક્ષા લઈ આવતો હતો ત્યારે અજવાળુ આવવા મુદ્દે કૈલાસ સોલંકી સહિતના શખ્સોએ માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે બન્ને પક્ષના આક્ષેપોના આધારે તપાસનો દૌર લંબાવ્યો છે.
