વીજલાઇન વિરોધી આગ જામનગર પંથકના ખેડૂતો સુધી પ્રસરી

  હાઈટેન્શન વીજ લાઈન માટે ખેડૂતોને મળતા વળતર મુદ્દે ગુજરાત સરકારના પરિપત્રનો વિરોધ કરતાં જામનગર જિલ્લા ખેડૂત સમિતિના બેનર હેઠળ આજે વિરલ બાગથી જિલ્લા કલેક્ટર…

 

હાઈટેન્શન વીજ લાઈન માટે ખેડૂતોને મળતા વળતર મુદ્દે ગુજરાત સરકારના પરિપત્રનો વિરોધ કરતાં જામનગર જિલ્લા ખેડૂત સમિતિના બેનર હેઠળ આજે વિરલ બાગથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા રેલી યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, કિસાન સમિતિના હોદ્દેદારો અને ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા.

રેલી બાદ ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ અમલમાં રહેલો ગુજરાત સરકારનો પરિપત્ર ખેડૂતોના હિતમાં ન હોવાથી તેને રદ કરી રાજસ્થાન સરકારની નીતિ મુજબ હાઈટેન્શન વીજ લાઈન માટે અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર ચૂકવવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે.

ખેડૂત આગેવાન પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે વર્તમાન પરિપત્ર રાજ્યના ખેડૂતોને બિલકુલ સ્વીકાર્ય નથી, જ્યારે કિસાન આગેવાન વિપુલભાઈએ જણાવ્યું હતું કે રાજસ્થાન સરકારના ધોરણ મુજબ જ ગુજરાતમાં પણ વળતર ચૂકવવાનો નિર્ણય લેવો જોઈએ.

ખેડૂતોએ ચેતવણી આપી હતી કે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કોઈપણ સંજોગોમાં ખેતીની જમીનોમાંથી હાઈટેન્શન વીજ લાઈનનું કામ કરવા દેવામાં આવશે નહીં. રેલી દરમિયાન ખેડૂતો દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓને ઉગ્રતાથી રજૂ કરવામાં આવી હતી. જેમાં બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *