હૃદયરોગનો હુમલો : પેટના દુખાવાની તપાસ કરાવી પરત ફરતા સરધારના વેપારીનું ચાલુ કારે હાર્ટ બેસી ગયું

શિવસંગમ સોસાયટીના વૃધ્ધને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે…

શિવસંગમ સોસાયટીના વૃધ્ધને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં પેટના દુ:ખાવાની તપાસ કરી પરત ફરી રહેલા સરધારના વેપારીનું ચાલુ કારે હાર્ટબેસી ગયું હતું. જ્યારે શિવસંગમ સોસાયટીમાં વૃધ્ધને આવેલા હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સરધારમાં રહેતાં અને શ્રીજી ફુટવેર નામે દુકાન ધરાવતાં પ્રફુલચંદ્ર છોટાલાલ વાળા નામના 57 વર્ષના વેપારી આધેડને પેટના દુ:ખાવા સબબ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતાં. જ્યાંથી વેપારી આધેડ પુત્ર સાથે કારમાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ચાલુ કારે રસ્તામાં હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મૃતક આધેડ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતો અને તેમને સંતાનમાં બે પુત્ર છે. આ ઉપરાંત બીજા બનાવમાં ઈન્દીરા સર્કલ પાસે આવેલી શિવસંગમ સોસાયટીમાં રહેતાં વિજયસિંહ અરૂણસિંહ જાડેજા (ઉ.60) રૈયા ટેલીફોન એકસચેન્જ સામે જલારામ પ્લોટમાં હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *