2.10 કરોડના હેરોઈન કેસમાં પંજાબના પાંચ શખ્સોને 10 વર્ષની સજા ફટકારતી ભુજ કોર્ટ

ભુજની વિશેષ NDPS કોર્ટે રૂપિયા 2.10 કરોડના હેરોઈન કેસમાં પાંચ આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. વર્ષ 2023માં પશ્ચિમ કચ્છ SOG દ્વારા 420…

ભુજની વિશેષ NDPS કોર્ટે રૂપિયા 2.10 કરોડના હેરોઈન કેસમાં પાંચ આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. વર્ષ 2023માં પશ્ચિમ કચ્છ SOG દ્વારા 420 ગ્રામ હેરોઈન સાથે આ પાંચ પંજાબી શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. કોર્ટે પ્રત્યેક આરોપીને રૂપિયા 2 લાખનો દંડ પણ કર્યો છે.

આ ઘટના 13 જુલાઈ, 2023ના રોજ બની હતી. પશ્ચિમ કચ્છ જઘૠની ટીમે ચોક્કસ બાતમીના આધારે માધાપર નજીક નળવાળા સર્કલ વિસ્તારમાં એક બ્રેઝા કારનો પીછો કર્યો હતો. આરોપીઓએ પોલીસથી બચવાનો પ્રયાસ કરતા પોલીસે કારના ટાયરો પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને વાહનને રોક્યું હતું.

ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે ભાગી છૂટેલા અન્ય બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને કસ્ટડીમાં લીધા હતા. આ આરોપીઓ પંજાબથી કચ્છમાં હેરોઈન વેચાણના ઈરાદે લાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.પશ્ચિમ કચ્છ જઘૠના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ વી. ભોલાએ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરીને મજબૂત પુરાવા એકત્ર કર્યા હતા. કોર્ટમાં 31 દસ્તાવેજી પુરાવા અને 10 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ NDPS કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ અસરકારક દલીલો કરી હતી. ત્રીજા અધિક સેશન્સ જજ અને વિશેષ NDPS કોર્ટના જજ વી.એ. બુદ્ધે પુરાવા અને દલીલોના આધારે પાંચેય આરોપીઓને NDPS એક્ટની કલમ 8(સી), 22(સી) અને 29 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

દોષિતોમાં રણજીતસિંઘ જરગાનસિંઘ જાટ, હરવિંદરસિંઘ જસવિંદરસિંઘ જાટ, સરતાજસિંઘ ઉર્ફે સતરાજસિંઘ રસપાલસિંઘ જાટ, દલેરસિંઘ જોગીન્દરસિંઘ જાટ અને ગુરબેજસિંઘ ઉર્ફે ભેજા સાલાવિન્દરસિંઘ જાટનો સમાવેશ થાય છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે માત્ર અંગત આર્થિક લાભ માટે યુવાનોને નશાના ગંભીર વ્યસનમાં ધકેલવાનું કૃત્ય અત્યંત ગંભીર છે અને તેની સમાજ પર દૂરગામી અસર પડે છે. આ કેસમાં કુલદીપસિંહ નામનો એક અન્ય આરોપી હજુ પણ ફરાર છે, જેને શોધવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *