શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા નિલકંઠ પાર્કમાં રહેતાં અને કાર લે-વેચનું કામ કરતાં કાર બ્રોકર પાસેથી મામા-ભાણેજે વેચાણથી કાર ખરીદી હતી. જેના દસ્તાવેજ થયા બાદ કાર સોદાના રૂા.સાત લાખ નહીં આપી છેતરપીંડી આચરી હોવાના આક્ષેપ સાથે કાર બ્રોકરે પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા નિલકંઠ પાર્કમાં રહેતાં રજનીશભાઈ શાંતિલાલ પાલા નામનો 40 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં પોલીસ કર્મીઓ દ્વારા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં રજનીશ પાલાએ જણાવ્યું હતું કે, તે બે ભાઈમાં મોટો અને તેને સંતાનમાં બે પુત્રી છે. રજનીશ પાલા કાર લે-વેચનું કામ કરે છે. રાધનપુર રહેતાં અનિલ ભાણજીભાઈ ઠક્કર અને રાજકોટમાં નંદાહોલ પાસે રહેતાં અમીત નવનીતભાઈ કારીયાએ રૂા.7 લાખમાં કાર ખરીદી હતી. જેના દસ્તાવેજ થયા બાદ રૂા.7 લાખ નહીં આપી છેતરપીંડી કરી હોવાની ભક્તિનગર પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં પોલીસે કોઈ કાર્યવાહી નહીં કર્યાના આક્ષેપ સાથે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આક્ષેપના પગલે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
