કેન્દ્ર સરકારમાં નીટના પેપર લીકનો મામલો સળગી રહ્યો છે અને વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવું પડયું છે ત્યાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું બી.એ.એમ.એસ.નું પેપર લીક થતા ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સામે વિપક્ષોએ મોરચો ખોલી રાજીનામાની માંગણી કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
રાજયકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાના મત વિસ્તારમાં જ આવેલી આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થઇ જતા રીવાબાને કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ નિશાન બનાવ્યા છે.
આજે રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા બીએએમએસ પેપર લીંક થવાના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરના કોટેચા ચોક ખાતે એનએસયુઆઈના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કરી શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનું રાજીનામું માંગ્યું હતું. પોતે પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
આ સિવાય આજે સતત બીજા દિવસે શિક્ષણ મંત્રી રિવાબાના મત વિસ્તાર જામનગરમાં એનએસયુઆઈ દ્વારા પેપર લીકના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં સામે આવેલા BAMS પેપર લીક પ્રકરણનો વિરોધ હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે. આ મુદ્દે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા) અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ અમદાવાદના ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કરીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ જામનગર ખાતે પણ આવેદનપત્ર પાઠવ્યું હતું અને રાજીનામાની માંગણી કરી હતી.
દેખાવો દરમિયાન કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ ઇન્કમટેક્સ ચાર રસ્તા પર ભેગા થઈ રસ્તા વચ્ચે બેસીને રાજ્ય સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુન:સ્થાપિત કરવા માટે દેખાવો કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દૂર કર્યા હતા.
કાર્યકરોએ જણાવ્યું હતું કે, “જામનગરમાં જે રીતે ઇઅખજનું પેપર લીક થયું છે તે દર્શાવે છે કે માત્ર પેપર જ નથી ફૂટી રહ્યા, પરંતુ આખેઆખી સરકાર જ લીકેજ મોડમાં છે. છેલ્લા એક મહિનાથી જંતર મંતર પર NSUI, યુથ કોંગ્રેસ અને ૠયક્ષ ણ દ્વારા સતત આંદોલન ચલાવાયું હતું. જો શિક્ષણમંત્રી પોતાના જ જિલ્લામાં પેપરની સુરક્ષા ન કરી શકતા હોય, તો તેઓ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યની રક્ષા કેવી રીતે કરી શકશે?” કોંગ્રેસના કાર્યકરોએ સ્પષ્ટ માંગણી કરી છે કે જામનગરમાં સતત થતી આવી બેદરકારી બદલ રાજ્યના શિક્ષણમંત્રીએ તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
યુથ કોંગ્રેસ અને NSUIએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી શિક્ષણમંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આજે શરૂૂ થયેલું આ આંદોલન અને લડત રાજ્યભરમાં સતત ચાલુ રહેશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનું રાજીનામું માંગતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાની આયુર્વેદિક યુનિવર્સિટીમાં ઇઅખજનું પેપર ફરી એકવાર લીક થઈ ગયું છે. ગુજરાતમાં આ પહેલી ઘટના નથી; આની પહેલા પણ અલગ-અલગ વિભાગોમાં 34 કરતાં વધુ પેપરો લીક થઈ ચૂક્યા છે. આ પેપર લીક કૌભાંડોના કારણે ગુજરાતના અનેક નિર્દોષ યુવાનો અને વિદ્યાર્થીઓએ હતાશ થઈને આત્મહત્યા કરી છે. પરંતુ અત્યાર સુધી ગુજરાતની ભાજપ સરકારે કૌભાંડ આચરનારા એક પણ મુખ્ય અપરાધી કે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો નથી.
અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને વિનંતી કરીએ છીએ કે તેઓ પણ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દે. અમે શિક્ષણ મંત્રીને 48 કલાકનું અલ્ટીમેટમ આપીએ છીએ; જો 48 કલાકમાં રાજીનામું નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં અમે ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરીશું અને જરૂૂર પડશે તો શહીદ-એ-આઝમ ભગત સિંહના માર્ગે લડવા માટે પણ તૈયાર છીએ.
