રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક વ્યવસ્થાપન, અને પ્રાથમિક સુવિધાઓને લગતી કુલ 13 જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા અંદાજિત રૂૂ. 4 કરોડ 20 લાખના તમામ વિકાસકામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા ટ્રાફિક અને માર્ગ અકસ્માતોને નિયંત્રિત કરવા તેમજ વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. રાજકોટના મુખ્ય રાજમાર્ગો પર થર્મોપ્લાસ્ટ પેઇન્ટ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે, જેની પાછળ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં કુલ 35,000 ચોરસમીટર વિસ્તારના રસ્તાઓ પર રૂૂ. 1.72 કરોડના અંદાજિત ખર્ચે થર્મોપ્લાસ્ટ માર્કિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે સંબંધિત એજન્સી દ્વારા 34.34% ડાઉનથી કામ કરવા સહમતી દર્શાવવામાં આવી છે.
આ કામગીરીમાં મુખ્યત્વે રોડની વચ્ચે આવતા ડિવાઇડરની બંને સાઇડની લાઈનો, રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટેના ઝીબ્રા ક્રોસિંગ અને નવા બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકર્સ પર સફેદ થર્મોપ્લાસ્ટ પટ્ટા લગાવવામાં આવશે. રાત્રિના સમયે અથવા ચોમાસા દરમિયાન જ્યારે વિઝિબિલિટી ઓછી હોય છે, ત્યારે આ થર્મોપ્લાસ્ટ પટ્ટાઓ વાહનચાલકોને સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડીને અકસ્માતોનું જોખમ ઘટાડવામાં મદદરૂૂપ સાબિત થશે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં બે નવી આંગણવાડીઓ બનાવવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ બંને નવી આંગણવાડીઓના નિર્માણ પાછળ અંદાજિત રૂૂ. 40 લાખનો ખર્ચ કરવામાં આવશે.
એકંદરે, આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમા તમામ 13 દરખાસ્તોને તાત્કાલિક અસરથી મંજૂરી મળતા, વહીવટી તંત્ર દ્વારા હવે આ મંજૂર થયેલા કામોની ટેન્ડર પ્રક્રિયા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મોરારિ બાપુની રામકથા માટે ટોકન દરે મેદાન
આગામી દિવસોમાં શહેરમાં ફૂલછાબ પ્રેસ દ્વારા સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારી બાપુની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.આ આધ્યાત્મિક આયોજન માટે આયોજકો દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડની મહાનગરપાલિકા પાસે કથાના મંડપ અને વ્યવસ્થા માટે ગ્રાઉન્ડની માંગણી કરવામાં આવી હતી. આ ગ્રાઉન્ડ ફૂલછાબ પ્રેસને કથા માટે ટોકન દરે ગ્રાઉન્ડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
