શાપર-વેરાવળમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં આવેલા સરદાર ચોકમાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં મનીષકુમાર જલંધરભાઈ મંડળ નામનો 22 વર્ષનો શ્રમિક યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મનીષકુમાર મંડળ મુળ બિહારનો વતની છે અને બે બહેનોનો એકનો એક નાનો ભાઈ અને અપરિણીત છે.
આ ઉપરાંત બીજા બનાવમાં જસદણનાં ગોંડલાધાર ગામે ખેતમજુરી અર્થે આવેલી વર્ષાબેન સોમાભાઈ નાયક નામની 40 વર્ષની પરિણીતાએ સંતાનોથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
