ઓનલાઇન ‘વજન ઘટાડવા’ની દવા લેવા જતા વૃધ્ધાએ 84.38 લાખ ગુમાવ્યા

રાજકોટ શહેરના કાલાવાડ રોડ વિસ્તારમાં રહેતી 62 વર્ષીય વૃદ્ધા સાથે સાયબર ઠગાઈનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરના…

રાજકોટ શહેરના કાલાવાડ રોડ વિસ્તારમાં રહેતી 62 વર્ષીય વૃદ્ધા સાથે સાયબર ઠગાઈનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરના સ્વામીનારાયણ મંદિર પાછળ ધર્મભક્તિ યોગીદર્શન સોસાયટીમાં એકલા રહેતા કુસુમબેન પ્રદીપભાઈ ટાંકને વર્ષ 2024 દરમિયાન ફેસબુક પર વેટ લોસ કરવા માટેની હર્બલ દવા અંગેની એક જાહેરાત જોવા મળી હતી. આ જાહેરાતમાં આપેલી લીંક પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલ્યું હતું, જેમાં તેમણે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરી હતી. આ ફોર્મ ભર્યાના બીજા જ દિવસે એક શંકાસ્પદ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ ’ન્યુટ્રિશિયા હેલ્થકેર’ સંસ્થાના ડો. અમન મિશ્રા તરીકે આપી હતી. હિન્દી ભાષામાં વાત કરતા આ ઠગે મહિલાને વેટ લોસ માટે દવા લેવા માટે સહમત કરી હતી અને તેમની ઊંચાઈ, વજન તેમજ શારીરિક તકલીફો અંગેની માહિતી મેળવીને પ્રથમ એક મહિનાની દવાના ચાર હજાર રૂપિયા ભરાવ્યા હતા.

શરૂઆતમાં સામાન્ય રકમથી શરૂ થયેલી આ છેતરપિંડીનો વ્યાપ સમય જતાં ખૂબ જ વધી ગયો હતો. ડો. અમન મિશ્રાએ થોડા દિવસો પછી બે મહિનાની દવા માટે વધુ રકમ જમા કરાવવાનું જણાવતા કુસુમબેને પોતાની નાની બહેન ભાનુબેન પાસેથી રકમ મંગાવીને તે ખાતામાં જમા કરાવી હતી. આ સિવાય શિવમ શર્મા નામના શખ્સે પણ ન્યુટ્રિશિયા હેલ્થકેરના નામે ફોન કરીને નાણા પડાવ્યા હતા. થોડા સમય બાદ આ જ કંપનીમાંથી ડો. મુકુલ સિંહ નામના અન્ય ઠગે ફોન કરી વધુ ભારે અને પાવરફુલ દવાઓ મોકલવાનું કહીને વારંવાર નાણાની માંગણી શરૂ કરી હતી. પીડિત મહિલાએ પોતાની નાની બહેન, પડોશી નામલબેન તેમજ પુત્રના મિત્ર નાગરાજ પાસેથી ઉછીના રૂૂપિયા મેળવીને આ ઠગોના અલગ-અલગ બેંક ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઠગોએ લગભગ અઢી વર્ષ સુધી વિવિધ બહાના હેઠળ મહિલાને માનસિક અને આર્થિક રીતે ફસાવી રાખી હતી અને કોઈ પણ પ્રકારનું વજન ઘટાડવાનું પરિણામ આપ્યા વગર સતત નાણા પડાવવાનું ચાલુ રાખ્યું હતું.

જ્યારે મહિલાએ વધુ નાણા આપવાની ના પાડી દીધી અને વિરોધ કર્યો, ત્યારે ઠગાઈનું સ્વરૂપ વધુ ગંભીર બની ગયું. હર્ષવર્ધન નામના એક વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે કંપનીમાં જમા થયેલી રકમ પરત મળી જશે, પરંતુ તેના માટે પેનલ્ટી અને વિવિધ ચાર્જ ભરવા પડશે. જો આ રકમ નહીં ભરવામાં આવે તો તે ચેરીટીમાં જમા થઈ જશે તેવી ખોટી બીક બતાવવામાં આવી હતી. ત્યારબાદ દીપક ચોપડા નામના શખ્સે ફાઈલ તૈયાર કરવાના નામે નાણા પડાવ્યા હતા.

જ્યારે કુસુમબેને વધુ પૈસા આપવાની અસમર્થતા દર્શાવી અને હેરાનગતિનો વિરોધ કર્યો, ત્યારે હર્ષવર્ધને પોતાની ઓળખ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના કર્મચારી તરીકે આપી હતી અને જણાવ્યું કે દીપક ચોપડાનું બધું કામ તે જ સંભાળે છે.ઠગોએ પોતાની વિશ્વસનીયતા ઊભી કરવા માટે તેલંગાણા હાઈકોર્ટનો એક અંગ્રેજી ઓર્ડર અને આરબીઆઈના નિયમો દર્શાવતી બનાવટી બિલની પીડીએફ ફાઇલ મોકલી આપી હતી, જેના આધારે જીએસટી અને અન્ય કાલ્પનિક ચાર્જના નામે વધુ નાણાં પડાવ્યા હતા.

સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કુસુમબેનના ભાણેજ કરણે તેલંગાણા હાઈકોર્ટનો ઓર્ડર જોઈને તેની માતા ભાનુબેનને જાણ કરી અને ત્યારબાદ પુત્ર અમિતને આ બાબતની જાણ કરવામાં આવી. પરિવારે ગંભીરતાથી તપાસ કરતા ખબર પડી કે આ તમામ લોકો સાયબર ઠગ છે અને તેમની સાથે આશરે 84,38,584 રૂપિયાની વિશાળ રકમની છેતરપિંડી થઈ છે. આ ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ જાડેજા અને સ્ટાફે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ દિલ્હીમાં રહેતા મોહમ્મદ અલ્તમશ અલી અશરફ અલી (ઉ.વ. 24)ની ધરપકડ કરી તેના ખાતામાં રહેલા રૂા.25 લાખ સીઝ કરી દીધા હતાં અને 81 હજારની રોકડ કબજે કુરી તેમજ ત્રણ બેંક પાસબુક, એક એટીએમ કાર્ડ અને પાંચ ચેકબુક સહિતનો મુદદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *