કુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલો

શહેરની ભાગોળે આવેલા કુવાડવામાં રહેતો યુવાન બે વર્ષ પૂર્વે એક લાખ લઈ સગી ભાણેજને લઈ ને ભાગી ગયો હતો. બાદમાં ફરી ઘરે આવ્યા બાદ ગઈકાલે…

શહેરની ભાગોળે આવેલા કુવાડવામાં રહેતો યુવાન બે વર્ષ પૂર્વે એક લાખ લઈ સગી ભાણેજને લઈ ને ભાગી ગયો હતો. બાદમાં ફરી ઘરે આવ્યા બાદ ગઈકાલે 35 હજાર લઈ ગયો હતો. જે અંગે આ દંપતિ વચ્ચે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિએ કુહાડા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કુવાડવામાં રહેતી અલ્પાબેન અમીતભાઈ વાળા નામની 38 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં પતિ અમીત વાળાએ ઝઘડો કરી કુહાડા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછમાં અલ્પાબેન વાળા રૂડાનગરમાં નોનવેજની દુકાન ચલાવે છે અને તેને સંતાનમાં બે પુત્ર છે. અલ્પાબેનનો પતિ અમીત વાળા બે વર્ષ પહેલા ઘરેથી એક લાખ રૂપિયા લઈ સગી ભાણેજને ભગાડી ગયો હતો અને બાદમાં બે મહિનાથી ઘરે પરત ફર્યો હતો. ફરી ગઈકાલે અમીત વાળા ઘરેથી રૂપિયા 35 હજાર લઈ ગયો હતો જે અંગે દંપતિ વચ્ચે ઝઘડો થતાં અમીત વાળાએ પત્ની અલ્પાબેન વાળા ઉપર કુહાડા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *