સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજરોજ નવા અઠવાડીયાના પ્રથમ દિવસ સોમવારે જ ઇન્ટરનેટના ધાંધિયાથી હોસ્પિટલની કામગીરી ઠપ જેવી થઇ ગઇ હતી. રોગચાળાની સિજનમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હોવાથી કેશબારીઓ ઉપર લાંબી લાઇનો લાગી ગઇ હતી. અંતે હોસ્પિટલના સ્ટાફે મેન્યુઅલી કામગીરી શરૂ કરી હતી.
પરંતુ નેટના વાંકે કોમ્પ્યુટર બંધ હોવાથી મેન્યુઅલ કામગીરી ખુબ જ ધીમી ગતીએ ચાલતી હોવાથી દર્દીઓ અકળાઇ ગયા હતા. ઇન્ટરનેટના કારણે એક્સરેના રિપોર્ટ સહિતની કામગીરી અટકી ગઇ હતી. જેના કારણે પરચુરણ રિપોર્ટ આજે જ હાથે લખીને આપવાનુ શરૂ કરાયુ હતુ જયારે મોટા રિપોર્ટ ઇન્ટરનેટ શરૂ થયા બાદ આપવાનો નિર્ણય લેવાયો હતો. કોમ્પ્યુટરના યુગમાં સ્ટાફને હાથે લખવાની ટેવ ન હોવાથી મુશ્કેલી વધી ગઇ હતી. બપોર સુધી હોસ્પિટલમાં અવ્યવસ્થા જેવી સ્થિતિ જોવા મળી હતી.
