રાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધ

મુંબઈ સાથેના રોડ અને રેલ વ્યવહારને અસર : હવાઈ માર્ગે પણ ભારે વિલંબ; અમદાવાદ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારને ધમરોળતા રાજકોટ અને વિરમગામ સાથે વાહન વ્યવહાર ઠપ્પ…

મુંબઈ સાથેના રોડ અને રેલ વ્યવહારને અસર : હવાઈ માર્ગે પણ ભારે વિલંબ; અમદાવાદ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારને ધમરોળતા રાજકોટ અને વિરમગામ સાથે વાહન વ્યવહાર ઠપ્પ

છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં પડી રહેલા સાંબેલાધાર વરસાદથી લોકમાતાઓ ગાંડીતૂર બની છે આને કારણે ઠેર ઠેર માર્ગો, રાજમાર્ગો, રાષ્ટ્રીય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે તો રાષ્ટ્રીય ધોરી માર્ગો પર વિશેષ કરીને અમદાવાદથી રાજકોટ તેમજ મુંબઇ સુધીના હાઇવે પર નદીઓના પાણી બ્રિજ સુધી પહોંચતા, રસ્તાઓ ઠેર ઠેર ધોવાઇ જવાથી વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે.

આ જ રીતે નવસારી નજીક અંબિકા નદીના પૂરના પાણી ફરી વળતાં મુંબઇ-દિલ્હી હાઇવેનો વડોદરાથી મુંબઇ જતો એકસપ્રેસ હાઇવે પણ બંધ કરવો પડ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં રાધનપુર, પાલનપુર, અંબાજી, મહેસાણા, મોરબી, રાજકોટ, છોટાઉદેપુર, દાહોદ, ભરૂૂચ, આણંદ, નડીયાદ સહિતના લગભગ 30 જેટલા સ્ટેટ હાઇવે, ચાર નેશનલ હાઇવે તેમજ એટલા જ નેશનલ હાઇવેને જોડતાં એપ્રોચ બંધ કરવામાં આવ્યા છે. આના કારણે અમદાવાદ મુંબઇ હાઇવે પર અનેક ઠેકાણે 20-20 કિ.મી.નો ટ્રાફિક જામ સર્જાયો છે. એકંદરે રાજ્યમાં 1300થી વધુ નાના મોટા રસ્તા વરસાદી પાણી ભરાવાથી, તૂટી જવાથી અથવા તો અન્ય કારણોથી હાલ બંધ કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં અવિરત ભારે વરસાદની અસર હવે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પણ જોવા મળી રહી છે. વલસાડ અને નવસારી વચ્ચેના માર્ગ પર પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિને કારણે 20 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. નવસારીથી મુંબઈ તરફ જતા ટ્રેક પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ટ્રક, બસ, કાર અને અન્ય વાહનો અધવચ્ચે અટવાઈ જતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેર તથા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે હાઇવે પર પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા બગોદરાથી સનાથલ સુધીનો હાઇવે બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જ્યારે વિરમગામમાં કફોડી પરિસ્થિતિ ઊભી થતા અમદાવાદ વિરમગામ હાઇવે પણ ભારે પાણીના કારણે બંધ કરવામાં આવ્યો છે. સાણંદથી વિરમગામ અવરજવર કરનાર લોકોને અન્ય રસ્તે થઈને જવા જિલ્લા પોલીસ વિભાગે અપીલ કરી છે.

રાજકોટ-અમદવાદ હાઈવે સતત બીજા દિવસે બંધ, ડાયવર્ઝન કઢાયો

ભારે વરસાદને કારણે ચાંગોદર નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જ્યારે બગોદરા નજીક હાઈવે પર અંદાજે 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને તરફથી હાઈવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, વરસાદી પાણીમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા. વાહનચાલકોની સલામતી તેમજ ફસાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી સરળ બને તે માટે હાઈવેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. હાઈવેના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. અનેક વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે અમદાવાદથી સૌરાષ્ટ્ર અને બગોદરા તરફ જતાં વાહનચાલકોને ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. જ્યાં સુધી પાણીનું સ્તર ઘટે અને હાઈવે સુરક્ષિત ન બને ત્યાં સુધી વાહનચાલકોએ ડાયવર્ઝન રૂૂટનો ઉપયોગ કરવા તેમજ બિનજરૂૂરી મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે.

વંદે ભારત-શતાબ્દી-ક્વિન સહિતની મુંબઈ જતી ટ્રેનો રદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ રેલવે ટ્રેક પર આવેલા છારોડી અને વિરમગામ સ્ટેશનની વચ્ચે પાણી ભરાવવાના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી જેમાં ટ્રેનનં. 69113 વડોદરા-વટવા મેમુ , ટ્રેનનં. 69116 વટવા-આણંદ મેમુ ટ્રેન પણ આજે એટલે કે તા.24ના રોજ રદ કરવામાં આવી હતી. આ સિવાય ટ્રેનનં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસને વિરમગામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જેના કારણે વિરમગામ-વડોદરા વચ્ચે ટ્રેન રદ કરવામાં આવી હતી. આ સિવાય ટ્રેનનં. 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યિલ ટ્રેનને વાયા સામાખ્યાલી-રાધનપુર, ભીલડ,મહેસાણા અને અમદાવાદના રૂૂટ પરથી દોડાવવામાં આવશે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અમદાવાદ રેલવે મંડળના મેનેજર વેદપ્રકાશે આજે અસારવા રોડ ઓવરબ્રિજની પાસે પાણી ભરાવવાથી પ્રભાવિત થયેલા રેલવે સેક્શનનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત મુસાફરોને નડતી સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા માટે રેલવે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. આ સાથે જ અમદાવાદથી ઉપડતી ગુજરાત સુપરફાસ્ટ, વિરમગામ મેમુ, શતાબ્દી, વંદે ભારત, ગુજરાત કવીન, કર્ણાવતી અને બોરિવલી-અમદાવાદ એક્સપ્રેસ સહિતની ટ્રેનો શુક્રવારના રોજ રદ કરવામાં આવી હતી. જયારે અનેક ટ્રેનોને ડાયવર્ટ કરાયેલા રૂૂટ પરથી દોડાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *