સમગ્ર ગુજરાતમાં જ્યારે જીવલેણ અને ગંભીર એવા ‘ચાંદીપુરા વાયરસ’ના કેસો સતત વધી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ આ સ્થિતિને લઈને અત્યંત ગંભીર બની છે, ત્યારે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પીડીયુ) સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા વાસ્તવિક કેસોની માહિતી જાહેર કરવામાં ભારે ‘ફેંકાફેકી’ અને બહાનાબાજી કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાયરસના દર્દીઓ અને પરિસ્થિતિ અંગે સાચી માહિતી આપવાને બદલે જવાબદાર તબીબો એકબીજા પર જવાબદારી ઢોળીને રોગચાળાની ગંભીરતા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા પ્રકોપને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં તંત્ર દ્વારા ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાયરસથી પીડિત બાળકોની સારવાર માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના માટે 10 તબીબો તેમજ 20 નર્સિંગ સ્ટાફને ખાસ ફરજ સોંપવામાં આવી છે.
એક તરફ તંત્ર પેપર પર સંપૂર્ણ સજ્જતા દર્શાવી રહ્યું છે, આ બાબતની ખાતરી કરવા બે દિવસ પૂર્વે ધારાસભ્ય દ્વારા સરકારની સુચનાને પગલે સિવિલ હોસ્પિટલની ઓચિંતા મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેટલા કેસ નોંધાયા છે, કેટલા બાળકો ગંભીર છે અને શું સ્થિતિ છે તે અંગેની સાચી માહિતી આપવા સામે પારદર્શિતાનો સરેઆમ અભાવ જોવા મળી રહ્યો છે. ચાંદીપુરા વાયરસના કેસો અંગેની ગંભીરતાને ધ્યાને રાખી થોડા દિવસો પૂર્વે બાળકોની હોસ્પિટલના એચ.ઓ.ડી. ડો. આરતી મકવાણાએ જાગરૂૂકતાના ભાગરૂૂપે મીડિયા સમક્ષ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જોકે, આ બાબતની જાણ હોસ્પિલના ઉચ્ચ અધિકારીઓને થતાં વિવાદ સર્જાયો હતો.આ અંગે હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. દુસરાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસ સંબંધિત માહિતી અંગે મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. કમલ ડોડિયાની નિયુક્તિ કરવામાં આવી છે.
આ સાથે જ ચોંકાવનારી વિગત સામે આવી છે કે ડો. આરતી મકવાણાએ મીડિયાને માહિતી આપતાં જ મીડિયા ઇન્ચાર્જ ડો. કમલ ડોડિયાએ આ મહિલા તબીબને રીતસરના ધમકાવ્યા હતા. એક તરફ સરકારી હોસ્પિટલના વડા માહિતી આપીને પ્રજાને સતર્ક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે બીજી તરફ તેમને જ ધમકાવીને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.મળતી માહિતી મુજબ, ચાંદીપુરા વાયરસના કેસોની સમીક્ષા કરવા અને માહિતીના આદાન-પ્રદાન માટે તાજેતરમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં તબીબી અધિક્ષક ડો. મોનાલી માંકડિયા, ડીન ડો. પંકજ બુચ, ડો. કમલ ડોડિયા તેમજ આર.એમ.ઓ. ડો. દુસરા હાજર રહ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના કેસો અને હોસ્પિટલની સ્થિતિ અંગેની અધિકૃત માહિતી માત્ર ડો. કમલ ડોડિયા જ મીડિયાને આપશે.
આ નિર્ણય છતાં, જ્યારે મીડિયા પ્રતિનિધિઓ દ્વારા ચાંદીપુરા વાયરસના કેસ અને વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવવા મીડિયા ઇન્ચાર્જ ડો. કમલ ડોડિયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે અહંકારી વલણ અપનાવ્યું હતું. પોતાને હોસ્પિટલના ‘સુપ્રીમો’ સમજી બેઠેલા ડો. કમલ ડોડિયાએ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
‘માત્ર કલેક્ટરને જ માહિતી આપીશ’ અધિકારીનું બિનજવાબદાર વલણ
સાચી માહિતી આપવાને બદલે પોતાનું મોં સીવી લેનારા ડો. કમલ ડોડિયાએ મીડિયાને એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો કે, “હું માત્ર કલેક્ટરને જ માહિતી આપીશ, અન્ય કોઈને માહિતી આપવા બંધાયેલો નથી.” એક જવાબદાર હોસ્પિટલના મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમાયેલા અધિકારીનું આવું બિનજવાબદાર અને તસુભાર પણ માહિતી ન આપવાનું વલણ અનેક આશંકાઓને જન્મ આપે છે. શું હોસ્પિટલ તંત્ર ચાંદીપુરા વાયરસના સાચા આંકડા છુપાવવા માંગે છે? શું સ્થિતિ વણસી ગઈ હોવાથી તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તેવા અનેક પ્રશ્નો હવે ચર્ચાની એરણે ચડ્યા છે.
સાચી માહિતી છુપાવવા પાછળનું રહસ્ય શું?
કોઈપણ રોગચાળા કે વાયરસના સમયે પ્રજા સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે તે અત્યંત જરૂૂરી હોય છે જેથી લોકો સાવચેતી રાખી શકે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ જે રીતે એકબીજા પર જવાબદારીની ‘ખો’ આપી રહ્યા છે અને આંકડા છુપાવવાની રમત રમી રહ્યા છે, તેનાથી જાહેર આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. તબીબો વચ્ચેની આંતરિક ખેંચતાણ અને ઉચ્ચ અધિકારીઓના અસહકારી વલણને કારણે સિવિલ હોસ્પિટલની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે.
