ઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડી

ઉપલેટાની જાણીતી ’દેવકરણ નારણજી જ્વેલર્સ’ નામના સોની પેઢીના શો-રૂૂમમાંથી એક અજાણ્યો ભેજાબાજ શખ્સ સોનાના ઘરેણાં પસંદ કરી, “ઘરના સભ્યોને બતાવી સાંજ સુધીમાં પરત આપી જાવ…

ઉપલેટાની જાણીતી ’દેવકરણ નારણજી જ્વેલર્સ’ નામના સોની પેઢીના શો-રૂૂમમાંથી એક અજાણ્યો ભેજાબાજ શખ્સ સોનાના ઘરેણાં પસંદ કરી, “ઘરના સભ્યોને બતાવી સાંજ સુધીમાં પરત આપી જાવ છું” તેમ કહી રૂૂ. 4,97,000ની કિંમતના 31 ગ્રામ સોનાના 2 ચેઈન લઈને છૂમંતર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સોની વેપારીએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપલેટાના વીજળી રોડ પર રહેતા અને રાજમાર્ગ પર સોનીકામનો વેપાર કરતા મિહિરભાઈ દિલીપભાઈ ધોળકિયા (ઉ.વ. 45) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ રાજકોટ સોની બજારમાંથી કાચું સોનું ખરીદી ઉપલેટા ખાતે દાગીના બનાવી વેચવાનો વ્યવસાય કરે છે.

ગત તા. 02/06/2026 ના રોજ તેમની દુકાને દર્શનભાઈ કરશનભાઈ મહેતા (રહે. માણાવદર) નામના શખ્સે આવીને પરિચય આપ્યો હતો. તેણે આદર્શ શેરીમાં દુકાન ભાડે રાખી હોવાનું અને ભાઈના લગ્ન હોવાથી સોનાના દાગીના ખરીદવાના છે તેવી વાત કરી વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્યારબાદ ગત તા. 06/06/2026 ના રોજ બપોરના આશરે ચારેક વાગ્યે આ દર્શન મહેતા નામના શખ્સે ફરી દુકાને આવી સોનાના ચેઈન જોવડાવવા કહ્યું હતું.

વેપારી મિહિરભાઈએ જુદી જુદી ડીઝાઈનના ચેઈન બતાવતા તેમાંથી 31 ગ્રામ વજન ધરાવતા રૂૂ. 4,97,000 ની કિંમતના બે સોનાના ચેઈન પસંદ કર્યા હતા. આ શખ્સે “આ ચેઈન મારા પત્નીને બતાવવા પડશે, હું સાંજ સુધીમાં પરત આપી જઈશ” તેમ કહી ચેઈન મેળવી લીધા હતા.

સાંજ સુધી શખ્સ પરત ન આવતા વેપારીએ તેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો,
પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આજુબાજુમાં તથા તેણે ભાડે રાખેલી દુકાનના માલિક ચંદુભાઈ પટેલ પાસે પૂછપરછ કરતા માલૂમ પડ્યું હતું કે આ શખ્સ ત્યારબાદ ક્યારેય આવ્યો જ નથી. પોતાને દર્શન મહેતા ઓળખાવનાર શખ્સ બોગસ નામ ધારણ કરી ઠગાઈ કરી ગયો હોવાની શંકા જતાં વેપારીએ શોધખોળ બાદ આખરે ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઉપલેટા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *