મેળામાં લોકગીતો, સંગીત અને ડાયરા સહિતના સ્ટેજ પ્રોગ્રામની રમઝટ બોલશે

સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી…

સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળો વધુ ભવ્ય, આકર્ષક અને લોકભોગ્ય બને તે માટે લોકમેળા સમિતિ દ્વારા વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. આ વખતના લોકમેળામાં મુલાકાતીઓ માટે મનોરંજનના અદ્ભુત અદલાબદલી જોવા મળશે. મેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મેળાના મંચ પર અંદાજે 12 જેટલા ખ્યાતનામ કલાકારો પોતાના લોકગીતો, ડાયરો અને સંગીતની રમજટ બોલાવશે, તેમની મંજૂરી માટે ટુરિઝમ વિભાગ ને દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે.

આ વખતે લોકમેળામાં ખાસ કરીને કચ્છી સંસ્કૃતિની ઝાંખી કરાવતી કલાકૃતિઓ અને નૃત્યો વિશેષ આકર્ષણ રહેશે. કાર્યક્રમોમાં ભારતીયનેવી બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે, જે દેશભક્તિનો અદભુત માહોલ ઊભો કરશે. સમગ્ર મેળામાં સોરઠની લોકસાહિત્યિક પરંપરાને ઉજાગર કરતી કાઠિયાવાડી થીમ આધારિત વિશેષ કાર્યક્રમો પણ યોજાશે. લોકમેળામાં સ્ટોલ મેળવવા માટે વેપારીઓ અને ધંધાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં મેળાના વિવિધ સ્ટોલો માટે 250 થી પણ વધુ ફોર્મો ઉપડી ચૂક્યા છે.

આ આંકડો દર્શાવે છે કે વેપારીઓ પણ આ મહામેળાને લઈને કેટલા સજાગ અને ઉત્સાહી છે. આગામી દિવસોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રો પદ્ધતિથી સ્ટોલ ફાળવવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.2થી 6 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે, ત્યારે તેમાં રાઈડસ માટેના પ્લોટ અને ખાણીપીણીના સ્ટોલ રાખવા માટે ફોર્મ વિતરણ શરૂૂ થઈ ચૂક્યું છે. પ્રથમ ત્રણ દિવસ દરમિયાન કુલ 212 ફોર્મ ઉપડ્યા છે. જેમાં યાંત્રિક રાઇડ્સ માટેના 43 જયારે અન્ય કેટેગરીમાં 163 ફોર્મ ઉપડ્યા છે. ત્રણ દિવસમાં કુલ 8 ફોર્મ પણ જમા થયા છે. જેમાં કેટેગરી બીમાં પાંચ ફોર્મ, ખાણીપીણીમાં 1 અને આઈસ્ક્રીમના ચોકઠાંમાં બે ફોર્મ જમા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *