હથિયાર બાદ દારૂના નેટવર્ક ઉપર પ્રહાર, 1656 બોટલ દારૂ ઝડપાયો

શહેરમાં ગેરકાયદેસર હથિયાર સામેની ઝુબેશમાં રેકડબ્રેક કામગીરી બાદ પીસીબીએ હવે વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા અને હેરાફેરી કરતા બુટલેગરો ઉપર પ્રહાર કર્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ…

શહેરમાં ગેરકાયદેસર હથિયાર સામેની ઝુબેશમાં રેકડબ્રેક કામગીરી બાદ પીસીબીએ હવે વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા અને હેરાફેરી કરતા બુટલેગરો ઉપર પ્રહાર કર્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પી.સી.બી. ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કરી રૂ.5.58 લાખની 1656 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણી સહીત ચાર શખ્સોના નામ ખુલ્યા છે. બે દરોડામાં કુલ 13.18 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે.

શહેરમાં ઘુસાડવામાં આવેલ ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો પીસીબીએ ઝડપી પાડ્યો છે. પી.સી.બી.ના પી.આઈ એમ.આર. ગોંડલીયાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલી આ સફળ કામગીરીમાં પહેલો દરોડામાં માલધારી હોટલ પાસે જૂના ટાયરોની આડમાં ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. કુવાડવા થી રાજકોટ તરફ આવતા હાઈવે રોડ પર માલધારી હોટલની સામે વોચ ગોઠવી પીસીબીની ટીમે અશોક લેલેન્ડ ટ્રક નંબર જીજે-10-એક્સ-8621 ને રોકીને તલાશી લેતા દારૂને હેરાફેરીની ચોંકાવનારો મોડસ ઓપરેન્ડી સામે આવ્યો હતો. ટ્રકના વ્હીલ પ્લેટ સાથેના જૂના ટાયરોની આડમાં છુપાવીને લાવવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ દરોડામાં કુલ 1,200 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 3,07,248 અને રૂ. 10 લાખની કિંમતનો અશોક લેલેન્ડ ટ્રક મળી કુલ રૂ. 13,15,248 નો મુદ્દામાલ સાથે ભગવતીપરા, આશાબાપીરની દરગાહ પાસે રહેતા તોફીક દાઉદભાઈ પરમારને ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં રાજકોટના મનીષ ઉર્ફે બાલી, સોહીલ ઉર્ફે ભાણો અને સાજીદ રાઉમાના નામ ખુલ્યા હતા.

પીસીબીના બીજો દરોડો ગોકુલ આવાસ યોજનાના ક્વાટર્સ સામે, સંતકબીર રોડથી રાજારામ મેઈન રોડ તરફ જતાં રસ્તા પર દરોડો પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન પ્લાસ્ટિકના કેરબા તથા પાર્સલોમાંથી દમણથી મોકલવામાં આવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ પ્રોહીબિશનના અસંખ્ય ગુનાઓમાં પકડાઈ ચૂકેલા રાજકોટ શહેરના લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસાભાઈ મોટાણી દ્વારા આ જથ્થો દમણ ખાતેથી મોકલવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીમાં પીસીબીએ વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 2 લીટરની મોટી બોટલો તેમજ 180 એમ.એલ.ની બોટલો મળી કુલ 564 બોટલ કિંમત રૂ. 2,51,814 તેમજ એક એક્સેસ મોટરસાયકલ મળી કુલ રૂ. 3,01,814 નો મુદ્દામાલ કબ્જે કરી બજરંગવાડી, પુનીતનગર શેરી નં. 1, ફળેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા ગેરેજની મજૂરી કરતા નિહાલ જાકીરભાઈ બેલીમની ધરપકડ કરી હતી.તેની પુછપરછમાં આ દારૂ મોકલનાર બજરંગવાડીના કુખ્યાત બુટલેગર યાકુબ મુસાભાઈ મોટાણીનું નામ ખોલ્યું હતું.

પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા સાથે પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *