ગુજરાતમાં હવે મેઘરાજા પૂરજોશમાં બેટિંગ કરવાના મૂડમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એક સાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. ખાસ કરીને આગામી 2 દિવસ સુધી, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેટલાક જિલ્લાઓમાં લાલ, નારંગી અને પીળા રંગની ચેતવણી જારી કરવામાં આવી છે.
દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતાને કારણે, રાજ્યના તમામ બંદરો પર ભયજનક સંકેત નંબર 3 લગાવવામાં આવ્યો છે અને માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કુલ 4 સિસ્ટમ સક્રિય છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોનસુન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય ટ્રફનો સમાવેશ થાય છે, જેના કારણે વરસાદની તીવ્રતા વધી છે. આજે, આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર સક્રિય છે. આજે સુરત, નવસારી, વલસાડ અને ડાંગ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 8 અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 10 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
