ગુજરાત-સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપભેર ફેલાઇ રહેલ ચાંદીપુરા વાયરસના રાજકોટની સિવિલ હોસ્પીટલમાં પણ છ બાળ દર્દી દાખલ થયા છે જો કે, ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા અપાઇ છે. જયારે ત્રણ બાળકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. હાલ આ બાળકોને જનાના હોસ્પીટલમાં ખાસ ઉભા કરાયેલ વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર અપાઇ રહી છે. રાજકોટની જનાના હોસ્પીટલમાં દાખલ ચાંદીપુરા વાયરસના એક દર્દી ગોંડલનો, એક મેટોડાનો અને એક માંગરોળનો હોવાનું જણાવાયું છે.
રાજકોટની સરકારી હોસ્પિટલના બાળરોગ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. આરતી મકવાણાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે હાલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
ડો. આરતી મકવાણાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. આ તમામ દર્દીઓની સેમ્પલ તપાસ અને સારવાર પ્રક્રિયા ખૂબ જ સાવચેતીપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. નોંધાયેલા 6 શંકાસ્પદ દર્દીઓમાંથી 3 બાળકોના સેમ્પલ વધુ તપાસ અર્થે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ હાલ નેગેટિવ આવ્યો છે, જે રાહતના સમાચાર છે. બાકીના 3 શંકાસ્પદ દર્દીઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે. જેમાં એક બાળક ગોંડલથી, બીજું બાળક મેટોડાથી અને ત્રીજું બાળક માંગરોળથી દાખલ થયું છે. આ ત્રણેય બાળકોના સેમ્પલ પણ ગાંધીનગર પરીક્ષણ માટે મોકલાયા છે, બાળકોમાં ફેલાતા આ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. સઘન સારવાર અને ઓબ્ઝર્વેશન માટે ખાસ 25 બેડનું આઈસીયુ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યું છે.
ચાંદીપુરા અને ચાંદીપુરાગ્રસ્ત દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા: ખાસ કરીને ચાંદીપુરા વાયરસથી સંભવિત પ્રભાવિત બાળકો માટે ચાંદીપુરા અને ચાંદીપુરાગ્રસ્ત દર્દીઓ માટે 10 બેડનું ખાસ વેન્ટિલેટર સગવડવાળું યુનિટ કાર્યરત કરાયું છે. જરૂૂર પડ્યે આ સંખ્યા 25 થી વધારીને 30 બેડ સુધીની કરવાની તૈયારી પણ તંત્ર દ્વારા રાખવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં દર્દીઓને ત્વરિત અને ઉત્તમ સારવાર મળી રહે.
