વેપન કાર્ટેલ : હથિયારના સોદાગરોએ વેચેલા વધુ 3 હથિયાર પકડાયા

ગેરકાયદેસર હથિયાર સામેની ઝુંબેશમાં પીસીબીની રેકોર્ડ બ્રેક કામગીરીમાં સપ્તાહમાં 38 હથિયાર સાથે 20 શખ્સોની ધરપકડ રાજકોટ શહેર અને આસપાસના ગુનાખોરી પર અંકુશ મેળવવા પોલીસ કમિશ્નર…

ગેરકાયદેસર હથિયાર સામેની ઝુંબેશમાં પીસીબીની રેકોર્ડ બ્રેક કામગીરીમાં સપ્તાહમાં 38 હથિયાર સાથે 20 શખ્સોની ધરપકડ

રાજકોટ શહેર અને આસપાસના ગુનાખોરી પર અંકુશ મેળવવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખતા ગુનેગારો સામે કાર્યવાહી કરવા આપેલી સુચના અનુસંધાને પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી)ની ટીમે ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક પર બોલાવાયેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં એક પછી એક સફળતાઓ મળી રહી છે. ગેરકાયદે હથિયારોની ખરીદ-વેચાણ કરતી વેપન કાર્ટેલ સામે પીસીબી પોલીસે રેકોર્ડબ્રેક કામગીરી કરીને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હથિયારના સોદાગરે વેચેલા વધુ ત્રણ હથિયાર સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી એક પિસ્તોલ અને ત્રણ તમંચા કબજે કર્યા હતા. વધુ ત્રણ ધરપકડ સાથે પીસીબીને ગેરકાયદેસર હથિયાર સામેની ઝુંબેશમાં એક સપ્તાહમાં 38 ગેરકાયદેસર હથિયાર સાથે 20 શખ્સોને ઝડપી લીધા હતા.

પીસીબીના પી.આઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક પર બોલાવાયેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં પીસીબીની ટીમે વેપન કાર્ટેલ સાથે સંકળાયેલા 17 આરોપીઓને 34 દેશી બનાવટના હથિયારો અને 32 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધા હતા. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ અને આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી, સકીલ સાદીક મન્સુરીની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે અગાઉ જસદણના વિશાલ ચોહલાને હથિયાર આપ્યું હતું જયારે પ્રદિપ અનકભાઇ કરપડાએ સુરેન્દ્રનગરના પ્રતાપ ખાચરને દેશી બનાવટનું હથિયાર વેચ્યું હતું.

કિશોર ઉર્ફે ભગત વજાભાઇ કોબીયાએ ચોટીલાના વિજયસિંહ ગોહિલને હથિયાર આપ્યું હોવાની કબૂલાત કરી હતી. આ વિગતોના આધારે પીસીબીની ટીમે તાત્કાલિક દરોડા પાડીને આ ત્રણેય ખરીદદારોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 1 દેશી બનાવટની પીસ્તોલ તથા 2 તમંચા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રીમાન્ડ હેઠળના આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન ચંન્દ્રમૌલિકભાઇ ઉર્ફે અનિલભાઇ રોજાસરાએ છુપાવી રાખેલો વધુ 1 દેશી તમંચો શોધી કાઢી કબ્જે કરવામાં આવ્યો હતો.

પીસીબીને વધુ ત્રણને ઝડપી લીધા હતા જેમાં જસદણ બોઘરાવદરના વિશાલ મેપાભાઇ ચોહલા,ચોટીલાના વિજયસિંહ વજાભાઇ ગોહીલ અને ચુડા સમઢીયાળાના પ્રતાપ ઉર્ફે શિવરાજ ભરતભાઇ ખાચરની ધરપકડ કરી રૂૂ. 10,000ની કિંમતની 1 પીસ્તોલ અને રૂૂ. 15,000ની કિંમતના 3 તમંચા મળી કુલ રૂૂ. 25,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ગેરકાયદેસર હથિયારોની ખરીદ-વેચાણ કરતી આ વેપન કાર્ટેલ સામેની ઝુંબેશમાં રાજકોટ પીસીબી ટીમે રેકોર્ડબ્રેક કામગીરી કરી અત્યાર સુધીમાં કુલ 20 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 38 દેશી બનાવટના હથિયારો (પીસ્તોલ અને તમંચા) તથા 32 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધારો અને અન્ય આરોપીઓની રિમાન્ડ મુદત પૂરી થતાં તમામ આરોપીઓને અદાલતના હુકમથી જેલહવાલે કરવામાં આવ્યા છે. રાજકોટ પીસીબીની આ મિશન-મોડ કામગીરીથી ગુનાહિત તત્વો અને ગેરકાયદે હથિયારોના સૌદાગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા હજુ પણ વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા સાથે ટીમના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, જયેશભાઈ ગઢવીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *