ઉપલેટામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સ અને મંગેતર ઉપર પૂર્વ પ્રેમીનો હુમલો

લીવઇન રીલેશન શીપ તોડી નાખી ફરિયાદ કરતા સમાધાન કરી લેવાનું કહી પિતા-પુત્રએ મારમાર્યો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી અને તેના મંગેતર ઉપર…

લીવઇન રીલેશન શીપ તોડી નાખી ફરિયાદ કરતા સમાધાન કરી લેવાનું કહી પિતા-પુત્રએ મારમાર્યો

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી અને તેના મંગેતર ઉપર પોરબંદર નેશનલ હાઇવે પર ડુમિયાણી ટોલનાકા નજીક પૂર્વ પ્રેમી અને તેના પિતાએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્રણ વર્ષ જૂના કેસમાં સમાધાન ન કરવાના ખારથી નર્સ અને તેના મંગેતર પર લોખંડ તથા પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે ઉપલેટા પોલીસ મથકે પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નર્સ તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય સગુફતાબેન હબીબભાઈ શેખ અગાઉ ઉપલેટાના સરફરાઝ અલ્તાફભાઈ કીબલા સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી. પ્રેમસંબંધ તૂટ્યા બાદ પૈસાની લેતીદેતી બાબતે થયેલી તકરારમાં સરફરાઝે મારપીટ કરતા યુવતીએ તેની સામે ત્રણ વર્ષ પહેલા ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગત તારીખ 18 જુલાઈ 2026ના રોજ આ કેસની મુદત હોવાથી સગુફતાબેન રાજકોટથી ઉપલેટા કોર્ટમાં આવ્યા હતા. તેમની સાથે જૂનાગઢથી તેમનો મંગેતર જીશાન ફારૂૂકભાઈ બદવી પણ બુલેટ લઈને કોર્ટની મુદતે આવ્યો હતો.

બપોરના આશરે પોણા ત્રણ વાગ્યાના સુમારે કોર્ટની મુદત પૂરી કરીને સગુફતાબેન તેમના મંગેતર જીશાન સાથે બુલેટ પર રાજકોટ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ઉપલેટા-રાજકોટ હાઇવે પર ડુમિયાણી ટોલનાકાથી અડધો કિલોમીટર પહેલાં રસ્તાની સાઇડમાં બેઠેલા સરફરાઝ કીબલાએ અચાનક રસ્તા પર આવી લોખંડનો પાઇપ આડો રાખી તેમનું બુલેટ રોકાવ્યું હતું.

બુલેટ ઊભું રહેતાની સાથે જ સરફરાઝે સગુફતાબેનને કમરના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો. એટલામાં બાજુની ઝાડીમાંથી સરફરાઝના પિતા અલ્તાફ કીબલા હાથમાં પ્લાસ્ટિકનો પાઇપ લઈને ધસી આવ્યા હતા અને જીશાન બદવીની પાછળ દોડીને તેને કમર, હાથ તથા પગના ભાગે સપાટા બોલાવી દીધા હતા.
હાઇવે પર વાહનચાલકો એકઠા થઈ જતાં બંને પિતા-પુત્ર ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જતાં-જતાં અલ્તાફ કીબલાએ “હવે જો ઉપલેટામાં દેખાશો તો જાનથી મારી નાખીશ” તેવી ગંભીર ધમકી આપી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્ત સગુફતાબેન અને જીશાનને સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે ફરિયાદી સગુફતાબેને ડરના કારણે બે દિવસ બાદ હિંમત ભેગી કરી ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરફરાઝ અલ્તાફભાઈ કીબલા અને તેના પિતા અલ્તાફભાઈ કીબલા (બંને રહે. ઉપલેટા) વિરુદ્ધ ગુનો નોંધી બન્નેની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *