માણાવદર શાકમાર્કેટમાં બે આખલાનું ‘રણમેદાન’ લડતા-લડતા દુકાનમાં ઘૂસી ગયા, લોકોમાં ફફડાટ

માણાવદરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે થયેલી ભીષણ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ભરબજારમાં આખલાઓ બાખડતા લોકોમાં નાસભાગ મચી…

માણાવદરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે થયેલી ભીષણ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ભરબજારમાં આખલાઓ બાખડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ લડાઈ એટલી ઉગ્ર હતી કે બંને આખલા લડતા-લડતા અચાનક નજીકની એક દુકાનની અંદર ઘૂસી ગયા હતા, જેના કારણે દુકાનદાર અને આસપાસના ગ્રાહકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

શાકમાર્કેટનો આ વિસ્તાર શહેરનું ખૂબ જ વ્યસ્ત કેન્દ્ર ગણાય છે. અહીં નજીકમાં જ કોર્ટ, મામલતદાર કચેરી અને વૈષ્ણવ હવેલી આવેલી હોવાથી દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. આવા ગીચ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે થયેલા આ ’યુદ્ધ’ને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાતા માંડ માંડ ટળી હતી. અચાનક દુકાનમાં ઘૂસી આવેલા આખલાઓને કારણે માલ-સામાનને નુકસાન થવાની સાથે લોકોએ જીવ બચાવવા દોડાદોડ કરવી પડી હતી.

શહેરમાં રખડતા ઢોર અને આખલાઓની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. અવારનવાર રસ્તા પર આખલાઓની લડાઈને કારણે રાહદારીઓ અને વેપારીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા લોકોએ માંગ કરી છે કે, વહેલી તકે આવા રખડતા આખલાઓને પકડીને પાંજરાપોળ કે ડબ્બે પૂરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *