રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં ચાલતા એમપીટી, પીજી ઓપ્ટોમેટ્રી, પીજી નર્સિંગ અને પોસ્ટ બેઝિક નર્સિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે, ત્યારે નક્કી કરાયેલા કાર્યક્રમ અંતર્ગત રવિવારે લેવાયેલી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની પરીક્ષામાં ટેકનિકલ ખામી સર્જાતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે.
જીકાસના કોમન પ્રવેશ પરીક્ષા કાર્યક્રમ અંતર્ગત રવિવારે સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની પરીક્ષા રાજ્યની વિવિધ 7 સરકારી યુનિ.ઓના કેન્દ્રોમાં ગોઠવવામાં આવી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં પણ પરીક્ષા ગોઠવાઈ હતી. બપોરે 1.30 વાગ્યાથી 3.30 વાગ્યા દરમિયાન કમ્પ્યુટર આધારિત આ પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ પ્રથમવાર લેવામાં આવેલી આ પરીક્ષામાં પ્રથમ દિવસે ટેકનિકલ ખામી થઈ હતી. વિવિધ સેન્ટરોમાંથી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે, કમ્પ્યુટરમાં પ્રશ્ન આવ્યા બાદ જવાબ આપ્યા પછી સમય લાગી રહ્યો છે. આમ, પરીક્ષા વખતે ટેકનિકલ ખામી સામે આવતા આ પરીક્ષા જ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષા માટે 670 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને જેમાંથી 533 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. હવે આ પરીક્ષાની નવી તારીખ નક્કી કરીને જાહેર કરાશે. જો કે આગામી 26 જુલાઈની એમએસસી નર્સિંગની તથા 30 જુલાઈની એમ. ઓપ્ટોમેટ્રીની અને 2 ઓગસ્ટની પોસ્ટ બેઝિક નર્સિંગની પરીક્ષા નિયત ટાઈમટેબલ મુજબ જ લેવાશે.
