સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન જન્માષ્ટમીનો મહામેળો આ વર્ષે રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ પર ધામધૂમથી યોજાવા જઈ રહ્યો છે. આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ પાંચ દિવસીય લોકમેળાને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. લોકમેળા સમિતિ દ્વારા મેળામાં ભાગ લેવા ઈચ્છુક વેપારીઓ અને સ્ટોલ ધારકો માટે સત્તાવાર રીતે ફોર્મ વિતરણની પ્રક્રિયાનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
લોકમેળા સમિતિ દ્વારા આ વર્ષના મેળાને વધુ આકર્ષક અને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ કેટેગરીના કુલ 228 જેટલા સ્ટોલો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સ્ટોલોમાં ખાણીપીણી, ચકડોળ, રમકડાં, હસ્તકલા અને મનોરંજનના વિવિધ સાધનો માટે અલગ-અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે,
ફોર્મ વિતરણ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ વેપારીઓ અને ધંધાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે બપોર સુધીમાં જ વિવિધ કેટેગરીના 30 જેટલા ફોર્મ વેપારીઓ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની પૂરી સંભાવના છે, કારણ કે સૌરાષ્ટ્રભરના વેપારીઓ આ લોકમેળાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.
આગામી 28 તારીખ સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેળાના નિયમોનુસાર વિવિધ સ્ટોલોની પારદર્શક હરાજી (ડ્રો અથવા બોલી) યોજવામાં આવશે. રાજકોટનો આ લોકમેળો લાખોની સંખ્યામાં ઉમટી પડતી મેદનીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, પાર્કિંગ, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને સીસીટીવી કેમેરા દ્વારા સઘન મોનિટરિંગ સહિતની સુવિધાઓ માટે અત્યારથી જ આયોજન શરૂૂ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા મેળાના સત્તાવાર ઉદઘાટન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રૂૂપરેખા પણ જાહેર કરવામાં આવશે.
