ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કેશરીસિંહ રામસિંહ જાડેજા નામના 49 વર્ષના યુવાન શુક્રવારે રાત્રિના સમયે વાડીનાર કે.પી.ટી. સર્કલ પાસેથી પાન-મસાલા લઈને પોતાના ઘરે જઈ રહ્યા…

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કેશરીસિંહ રામસિંહ જાડેજા નામના 49 વર્ષના યુવાન શુક્રવારે રાત્રિના સમયે વાડીનાર કે.પી.ટી. સર્કલ પાસેથી પાન-મસાલા લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રામેશ્વર રોડ પર પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે 37 આર 9255 નંબરના એક મોપેડના ચાલકે તેમને અડફેટે લેતા તેમને માથાના તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિજયસિંહ કેશરીસિંહ જાડેજાની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસે મોપેડના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ગળાફાંસો
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા સાજાભાઈ રણમલભાઈ વારસાકિયા નામના 62 વર્ષના વૃદ્ધને શરીરના ભાગે ઇન્ફેક્શન થઈ જતા આ બીમારીથી કંટાળીને તેમણે રવિવારે પોતાના ઘરે પોતાના હાથે છતના લાકડામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ધમકી
મીઠાપુર નજીક આવેલા આરંભડા સીમ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ જીવણભાઈ ગાધેર નામના 73 વર્ષના વૃદ્ધને એક ડેરીના એજન્ટ હિતેશભાઈ તથા તેમના બે પુત્રોએ એકસંપ કરી, બિભત્સ ગાળો ભાંડી, ફોનમાં મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી કાનજીભાઈની દુકાને આવેલા આરોપી હિતેશને તેમણે છ માસ પહેલા ફ્રીઝ લેવા માટે રૂૂ. 7,250 ની રકમ આપી હતી. જેથી ફ્રીઝ અથવા ઉપરોક્ત રકમ આપવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈને તેમને માર મારી, ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેથી પોલીસે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ પિતા પુત્રો સામે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *