શાપર-વેરાવળ વિસ્તારમાં ડેલી ખોલવા જેવી બાબતે અજાણ્યા શખ્સોએ યુવક પર ધોકા વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં આવેલી સર્વોદય સોસાયટી શેરી નંબર-6 માં રહેતો વિકાસકુમાર સુરેશભાઈ મહંતો (ઉં.વ. 20) સવારે 9:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતો. આ દરમિયાન ઘરની ડેલી (દરવાજો) ખોલવા બાબતે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને વિકાસકુમાર સાથે બોલાચાલી કરી ઝઘડો શરૂૂ કર્યો હતો. મામલો બિચકતા ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સોએ વિકાસકુમાર પર ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર ઇજાઓ થતાં વિકાસકુમારને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરીને હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
