દીકરાને છૂટાછેડા આપી દેવાનું કહી સાસુએ પુત્રવધૂનો હાથ મરડી નાખ્યો

રાજકોટ શહેરના શાપર વેરાવળ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા, શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આદર્શ રેસીડેન્સીમાં…

રાજકોટ શહેરના શાપર વેરાવળ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા, શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આદર્શ રેસીડેન્સીમાં રહેતી 39 વર્ષીય બિમલબેન રવીન્દ્રભાઈ કારેલીયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ રવીન્દ્રભાઈ કારેલીયા, સાસુ અરુણાબેન અને દિયર લખનભાઈ કારેલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે.
બિમલબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2009માં લગ્નગ્રંથિથી જોડાયા બાદ ફરિયાદીને છેલ્લા કેટલાક સમયથી ઘરકામ અને આર્થિક બાબતોને લઈને પતિ અને સાસરિયાઓ દ્વારા ભારે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. લગ્ન જીવનના લાંબા ગાળા બાદ પણ પરિસ્થિતિ સુધરવાને બદલે સતત કથળી રહી હતી, જે અંતે પોલીસ ફરિયાદ સુધી પહોંચી છે.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ,આરોપીઓએ ફરિયાદી મહિલાને શારીરિક અને માનસિક રીતે તોડી નાખવા માટે સતત પ્રયાસો કર્યા હતા. ગત 12 જૂન, 2026ના રોજ જ્યારે બિમલબેન પોતાના પુત્રની સારવાર કરાવીને ઘરે પરત ફર્યા હતા, ત્યારે પતિ સાથે બોલાચાલી થઈ હતી. પતિએ તેમને મારઝૂડ કરીને ઘરકામ બાબતે અપમાનિત કર્યા હતા. આ દરમિયાન સાસુ અરુણાબેને ફરિયાદીનો હાથ મરડીને અને લાફા મારીને તેમને પતિ સાથે છૂટાછેડા લેવા માટે મજબૂર કર્યા હતા. સાસુએ એવી ધમકી આપી હતી કે જો તે પોતે છૂટાછેડા નહીં આપે તો તેઓ પોતે છૂટાછેડા કરાવી દેશે. આ ઝઘડામાં દિયર લખનભાઈએ પણ સાથ આપી ફરિયાદીને અપશબ્દો કહીને પતિ-પત્નીના છૂટાછેડા કરાવવા માટે ઉશ્કેરણી કરી હતી. પીડિતાએ જણાવ્યું કે, પતિના આ ત્રાસને કારણે તેમનું જીવન મુશ્કેલ બની ગયું હતું.

આર્થિક બાબતોમાં પણ પતિનું વર્તન અત્યંત બેજવાબદાર રહ્યું હતું. ફરિયાદીએ પોતાના કારખાનાની લોન અને બાળકોની સ્કૂલ ફી ભરવા બાબતે રજૂઆત કરી ત્યારે પતિએ સહકાર આપવાને બદલે તેમને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. પતિએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેઓ આ ખર્ચ નહીં ભરે. પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતા આ ત્રાસથી કંટાળીને અંતે બિમલબેને ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *