રાવલડેમના પાણી ગામમાં ઘૂસી જતા 60 પરિવારોની પશુઓ સહિત ઘરવખરી તણાઇ ગઇ, સરકારી તંત્રનું ગુનાઇત મૌન
ઉના તાલુકાના નાદરખ ગામમાં ગેરકાયદે રેતી ખનનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ખનિજ માફિયાઓએ રાવલ ડેમ હેઠળની માલણ નદી કાંઠે લોકફાળાથી બનાવવામાં આવેલા પુર સંરક્ષણ પાળા ગેરકાયદેસર રીતે તોડી ટ્રેક્ટર અને જેસીબી પસાર કરવા માટે રસ્તા બનાવી દીધા હતા. ત્યારબાદ ભારે વરસાદ અને રાવલડેમમાંથી આવેલા પાણી સીધા ગામ તરફ ધસી આવતા આશરે 60 જેટલા ગરીબખેડૂતઅને ખેતમજૂર પરિવારોના ઘરો માં પાણી ઘૂસી ગયું હતું. પરિણામે ઘરવખરી, અનાજ, પશુઓ માટેનો ચારો તેમજ બાળકોની શૈક્ષણિકસામગ્રી પાણીમાં તણાઈ જતાં પરિવારો ભારે સંકટમાં મુકાયા હોવાનું ગ્રામજનો એ જણાવ્યું છે.
ગ્રામજનોના આક્ષેપ મુજબ આ સમગ્ર ઘટના કુદરતી નહીં પરંતુ ગેરકાયદે રેતી ખનનના કારણે સર્જાયેલી માનવસર્જિત દુર્ઘટના છે.વર્ષોથી પુરથી ગામનેબચાવતા પાળાને તોડી નાખવામાં આવતા નદીનો પ્રવાહ બદલાઈ ગયો અને પાણી ગામમાં ફરી વળ્યું. હજારો મીટર સુધી ના પાળા ધોવાઈ જતાં હવે ગામ અને નદી વચ્ચે નવો પ્રવાહ ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.
આ વિસ્તારમાં ખનિજ માફિયા ઓ ખુલ્લેઆમ દાદા ગીરી કરી રહ્યા છે. જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, અમારું કોઈ કંઈ બગાડી શકતું નથી, અમે દર મહિને કરોડોની કમાણી કરીએ છીએ,જેવીધમકીઓગ્રામજનો ને આપવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જેના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રેતી ખનન બાદ રેતી ધોવા માટે ગેરકાયદેસર રીતે કૂવામાં મોટર અને પાઇપ મુકવામાં આવ્યા છે.
ગામમાંથી પસાર થતી જ્યોતિ ગ્રામ યોજનાના વીજ જોડાણમાંથી દોરડા ખેંચી વીજ ચોરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ પણ થયા છે. રોયલ્ટી ભર્યા વગર મોટા પાયે રેતીનું ખનન અને વેચાણ થતું હોવા ઉપરાંત પીજીવીસીએલના સાધનોના ગેરઉપયોગ અંગે પણ ગ્રામજનોએ ગંભીરપ્રશ્નોઉઠાવ્યા છે. લોકો નું કહેવું છે કે દરરોજ સેંકડો ટ્રેક્ટર, ટ્રોલી અને ડમ્પર બિનપરમિટ રેતી ભરીને જાહેર માર્ગો પર બેફામ દોડે છે. તેમ છતાં ખાણ-ખનિજ વિભાગ, પોલીસ, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગ અને અન્ય જવાબદાર તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જવાબદારો સામે કડક પગલા ભરવા પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઇની માંગણી
ઉના ના નાદરખ ગામની મુલાકાત બાદ પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે સ્થળ પરથી જ જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરી સમગ્ર ઘટનાની ગંભીરતાઅંગે જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદે રેતી ખનન માટે પુર સંરક્ષણ પાળા તોડી નાખવામાં આવતા ભારે વરસાદ અને રાવલ ડેમના પાણી ગામમાં ઘૂસ્યાં, જેના કારણે આશરે 60 જેટલા ગરીબ પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ માત્ર કુદરતી આપત્તિ નહીં પરંતુ ખનિજ માફિયાઓની બેફામ ગેરકાયદે પ્રવૃત્તિ ઓના કારણે સર્જાયેલી માનવસર્જિત દુર્ઘટના છે. પૂર્વ ધારાસભ્યએ માંગ કરી હતી કે પાળો તોડનાર અને ગેરકાયદે ખનન કરનાર તમામ તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેમજ સિંચાઈ વિભાગ, ખાણ-ખનિજ વિભાગ, પ્રાંત અધિકારી અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવે. તેમણે ગેરકાયદે વીજ ચોરી, રોયલ્ટી વગરના રેતી ખનન અને તેમાં સંડોવાયેલા લોકોના કોલ ડિટેઇલ સહિત તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરી હતી.
