પડધરીમાં રહેતી પિતરાઈ બહેનને આવેલા બાળકને રમાડવા મધ્યપ્રદેશથી પરિવાર સાથે આવેલો આઠ વર્ષનો માસુમ પોતાના મામાના ભંગારના ડેલામાં પુંઠા ફેરવતો હતો ત્યારે રસ્તા ઓળંગતી વખતે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા માસુમ બાળકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીમાં આવેલી રવેચી હોટલ પાસે રોડ ક્રોસ કરતો વિશાલ થાવરીયાભાઈ ખરાડી નામના આઠ વર્ષના માસુમ બાળકને અજાણી કારના ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા માસુમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક વિશાલ ખરાડી મુળ મધ્યપ્રદેશનો વતની અને બે ભાઈ બે બહેનમાં નાનો હતો. પડધરી રહેતાં મામાની દીકરીને પુત્રનો જન્મ થયો હતો. જેથી વિશાલ પરિવાર સાથે મધ્યપ્રદેશથી પિતરાઈ બહેનના પુત્રને રમાડવા માટે આવ્યો હતો. તે દરમિયાન મામાના ભંગારના ડેલામાં મોટાભાઈ વિશાલ સાથે પુંઠા ફેરવતો હતો તે દરમિયાન કાર ચાલકે ઠોકરે ચડાવતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે કાર ચાલક વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે.
