ભરૂડી ટોલનાકાના સફાઇ કર્મચારીએ મહિલા શૌચાલયમાં મોબાઇલ મૂકી વીડિયો બનાવ્યો

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા ભરૂૂડી ટોલનાકા ખાતેથી મહિલાઓની સુરક્ષા અને પ્રાઈવસી સામે ગંભીર સવાલો ઊભા કરતો એક અત્યંત શરમાજનક અને સ્તબ્ધ કરી દેનારો કિસ્સો…

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા ભરૂૂડી ટોલનાકા ખાતેથી મહિલાઓની સુરક્ષા અને પ્રાઈવસી સામે ગંભીર સવાલો ઊભા કરતો એક અત્યંત શરમાજનક અને સ્તબ્ધ કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે.
ભરૂૂડી ટોલનાકા પર આવેલા મહિલા શૌચાલયની અંદર ચોરીછૂપીથી સ્માર્ટફોન ગોઠવી મહિલાઓના આપત્તિજનક વિડીયો બનાવતા એક વિકૃત સફાઈ કર્મચારીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

ટોલનાકાના જાગૃત સ્ટાફની તીક્ષ્ણ નજર અને સતર્કતાના કારણે આ સમગ્ર વિકૃત કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેને પગલે હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ શરમજનક ઘટનાની વિગત એવી છે કે રાજકોટ-ગોંડલ હાઈવે એ સૌરાષ્ટ્રની મુખ્ય ધમધમતી ધમની સમાન છે, જ્યાંથી ચોવીસે કલાક હજારો વાહનો અને પરિવારો પસાર થાય છે.

મુસાફરી દરમિયાન મોટી સંખ્યામાં મહિલા સહમુસાફરો પણ આ ભરૂૂડી ટોલનાકા પર ઊભા રહી પ્રાથમિક સુવિધાઓ અને શૌચાલયનો ઉપયોગ કરતી હોય છે. અહીં ફરજ બજાવતા એક સફાઈ કર્મચારીએ શૌચાલયમાં ગુપ્ત રીતે પોતાનો મોબાઈલ કેમેરો ચાલુ હાલતમાં એવી જગ્યાએ ગોઠવી દીધો હતો, જેથી શૌચાલયનો ઉપયોગ કરતી મહિલાઓના અંગત વિડીયો રેકોર્ડ થઈ શકે.

ગઈકાલે ટોલનાકાના અન્ય કર્મચારીઓને આ સફાઈ કર્મચારીની શંકાસ્પદ હિલચાલ, વારંવાર મહિલા શૌચાલય આસપાસ આંટા મારવાની આદત અને વિચિત્ર વર્તણૂક પર ભારે વહેમ પડ્યો હતો. સ્ટાફે કોઈ વિલંબ કર્યા વિના તુરંત મહિલા શૌચાલયની અંદર ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન શૌચાલયના એક ખૂણામાંથી ગુપ્ત રીતે સંતાડીને રાખેલો ચાલુ વિડીયો રેકોર્ડિંગ વાળો મોબાઈલ ફોન મળી આવતા સ્ટાફના હોશ ઊડી ગયા હતા અને સફાઈ કર્મચારીની વિકૃત માનસિકતા જગજાહેર થઈ ગઈ હતી.

આ નિકૃષ્ટ ઘટનાની જાણ થતાં જ ટોલનાકાના ઉચ્ચ સત્તાધારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ગોંડલ તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બનાવ અંગે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાની ગંભીરતા અને મહિલાઓની સુરક્ષાના વિષયને પ્રાથમિકતા આપીને ત્વરિત પગલાં ભર્યા હતા. પોલીસે કાયદેસરનો ગુનો નોંધી, આ વિકૃત કૃત્ય આચરનાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના આલીદ્રા ગામના વતની અને હાલ ભરૂૂડી ટોલનાકા પર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા દીપુ દિલીપભાઈ ભાદરકા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.

ગોંડલ તાલુકા પોલીસ હાલ આ મામલે પકડાયેલા આરોપી દીપુ ભાદરકાની સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસે આરોપીનો વિડીયો રેકોર્ડિંગ વાળો મોબાઈલ ફોન જપ્ત કરીને સાયબર સેલની મદદથી ટેકનિકલ તપાસ શરૂૂ કરી છે, જેથી એ જાણી શકાય કે તેણે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓને પોતાની વિકૃતિનો ભોગ બનાવી છે અને આ વિડીયો અન્ય કોઈને મોકલ્યા કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યા છે કે કેમ. હાઈવે પરના જાહેર સુવિધા કેન્દ્રો પર બનેલી આ ઘટનાને પગલે પ્રવાસી મહિલાઓની સુરક્ષા અંગે લોકોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *