ટંકારાના મેઘપર ઝાલા ગામના ચકચારી ડબલ મર્ડર કેસમાં ભગીરથસિંહ ડોડિયાની સ્પે.પીપી તરીકે નિમણૂક

જમીન માપણીની કામગીરી દરમિયાન બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો’તો ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ ડબલ મર્ડરના ચકચારી કેસમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ…

જમીન માપણીની કામગીરી દરમિયાન બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો’તો

ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ ડબલ મર્ડરના ચકચારી કેસમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણુંક કરવામાં આવી છે. ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાના ખેતરમાં તા. 9/6/2026 ના રોજ બપોરે 3:30 વાગ્યાના અરસામાં જમીન માપણીની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન માપણીવાળા કિર્તીભાઈ, દિગ્વિજયસિંહના નાના ભાઈ જયપાલસિંહ, પુત્ર હર્ષવર્ધનસિંહ અને કાકાના દીકરા સંજયસિંહ હાજર હતા.

આ સમયે બાજુના ખેતરવાળા મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાના દીકરાઓએ મહાવીરસિંહ અને તેજપાલસિંહને ત્યાં બોલાવ્યા હતા. જ્યારે ફરિયાદી દિગ્વિજયસિંહ પાણી ભરવા ગયા અને સંજયસિંહ ચા બનાવી રહ્યા હતા, ત્યારે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા મોટરસાયકલ લઈને આવ્યા હતા. તેમણે અચાનક જ જયપાલસિંહ અને હર્ષવર્ધનસિંહ પર છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આરોપીઓએ હર્ષવર્ધનસિંહને 11 અને જયપાલસિંહને 18 જેટલા છરીના આડેધડ ઘા ઝનૂનપૂર્વક મારીને બંનેને લોહીલુહાણ કરી દીધા હતા અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા.

ફરિયાદી અને તેમના કૌટુંબિક ભાઈ સંજયસિંહ બંને ઈજાગ્રસ્તોને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં શરીર પરની અત્યંત ગંભીર ઈજાઓના કારણે બંનેના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના અંગે મરણ જનારના ભાઈ અને પિતા દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહાવીરસિંહ અને તેજપાલસિંહ બંને આરોપીઓની અટક કરી લીધી હતી.

આ ગંભીર ડબલ મર્ડર કેસમાં ન્યાયની પ્રક્રિયા ઝડપી અને સચોટ બને તે હેતુથી ફરિયાદી દ્વારા ગુજરાત સરકાર સમક્ષ આ કેસ માટે ખાસ સરકારી વકીલ (સ્પેશ્યલ પી.પી.) ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે આ કેસ ચલાવવા માટે રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પી.પી. તરીકે સત્તાવાર નિમણૂક કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *