મહિને 12 ટકા વ્યાજ અને રૂા.4000 પેન્શનની લાલચ આપી દંપતિ સાથે શરાફી મંડળીની ઠગાઇ

રાજકોટના રૈયા રોડ પર આવેલી એકદંત શરાફી સહકારી મંડળી લિમિટેડના સંચાલકો દ્વારા એક વયોવૃદ્ધ નિ:સંતાન દંપતી સાથે આચરેલી લાખોની છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…

રાજકોટના રૈયા રોડ પર આવેલી એકદંત શરાફી સહકારી મંડળી લિમિટેડના સંચાલકો દ્વારા એક વયોવૃદ્ધ નિ:સંતાન દંપતી સાથે આચરેલી લાખોની છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના અયોધ્યા ચોકમાં રહેતા ફરિયાદી રમેશભાઈ કેશવજીભાઈ સોલંકી અને તેમના પત્નીએ પોતાની જીવનભરની મૂડી ગુમાવ્યા બાદ ન્યાય મેળવવા માટે આખરે અદાલતના દ્વાર ખટખટાવવા પડ્યા હતા. આ મામલે પોલીસે મંડળીના સંચાલક નિલેષભાઈ રજનીકાંતભાઈ જોષી અને પૂનમગૌરી મહેશભાઈ ઠાકર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 61, 54, 316 અને 318 હેઠળ છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે.

ઘટનાની વિગત મુજબ, ફરિયાદી દંપતીએ તેમની નિવૃત્તિની બચતમાંથી કુલ 4 લાખ રૂૂપિયા નિલેષભાઈ જોષી અને પૂનમગૌરી ઠાકર દ્વારા સંચાલિત મંડળીમાં ફિક્સ ડિપોઝિટ તરીકે રોક્યા હતા. આરોપીઓએ આ વયોવૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈને ઊંચા વળતરની લાલચ આપી હતી. આરોપીઓએ વચન આપ્યું હતું કે રોકાણના બદલામાં તેમને 12 ટકાના વાર્ષિક વ્યાજના દરે દર મહિને 4,000 રૂૂપિયાનું પેન્શન ચૂકવવામાં આવશે. શરૂૂઆતના કેટલાક સમય સુધી આ રકમ ચૂકવ્યા બાદ, માર્ચ 2024 થી આરોપીઓએ પેન્શનની રકમ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. ફરિયાદીએ અનેકવાર રૂૂબરૂૂ મુલાકાત લઈ રજૂઆત કરી હતી, પરંતુ સંચાલકો માત્ર વાયદાઓ આપીને દંપતીને ગોળ-ગોળ ફેરવતા રહ્યા હતા.

પીડિત દંપતીએ પોતાની રકમ પરત મેળવવા માટે અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી હતી, પરંતુ સ્થાનિક ગાંધીગ્રામ પોલીસે આ મામલાને સિવિલ મેટર ગણાવીને હાથ ઊંચા કરી દીધા હતા અને તેમને કોર્ટમાં જવાની સલાહ આપી હતી. ત્યારબાદ દંપતીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટના આદેશ બાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. હાલમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોષી આ સમગ્ર પ્રકરણની તપાસ ચલાવી રહ્યા છે.

પોતાના જીવનનિર્વાહ માટે એકમાત્ર આધારરૂૂપ આ 4 લાખ રૂૂપિયાની મૂડી ફસાઈ જતાં દંપતીની હાલત કફોડી થઈ છે. નિ:સંતાન હોવાને કારણે તેમને મેડિકલ ખર્ચ અને ઘરખર્ચ ચલાવવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આરોપીઓએ કુલ 28 મહિનાનું પેન્શન એટલે કે 1,12,000 રૂૂપિયા ચૂકવ્યા નથી અને મૂળ રોકાણની રકમ પણ પરત કરી નથી. આરોપીઓની આ છેતરપિંડીથી વયોવૃદ્ધ દંપતી માનસિક અને આર્થિક રીતે તૂટી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *