વાહન સામસામે અથડાવા જેવી બાબતમાં હાકલા-પડકારા સાથે તલવાર-કુહાડી-ધારિયા ઉડતા ચાર ઘવાયા, તંગદિલી ફેલાતા સજ્જડ બંદોબસ્ત
ઉપલેટામાં જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો હતો. છરી અને કુહાડીના ઘા ઝીંકાતા ચાર લોકો ઘાયલ થયાં હતા અને એક યુવકની આંગળીઓ કપાઈ જતાં તમામને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. જે મામલે ઉપલેટા પોલીસે બંને પક્ષે હત્યાના પ્રયાસની કલમ હેઠળ સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી હતી.આ બનાવ અંગે ઉપલેટામાં આવેલ ખાટકીવાડમાં રહેતાં યાસીન હારુનભાઈ કટારીયા (ઉ.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિલાવર ઓસમાણ હિંગોરા, મોસીન દિલાવર હિંગોરા, સાહિલ ઉર્ફે બાલો ઠેબા અને રોહિત સિંધીનું નામ આપતાં ઉપલેટા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે મજૂરી કામ કરે છે. તેઓ પાંચ ભાઈઓ છે. જેમાં સૌથી મોટો યુનુસ, નાનો સદામ જે માનસિક બીમાર છે તેનાથી નાનો પોતે, તેનાથી નાનો કયુમ અને સૌથી નાનો સમીર છે. ગઈકાલે સાંજના આશરે સાડા છ વાગ્યે તે ઘરે બેઠો હતો ત્યારે ભાઈ યુનુસ ભાઇએ કહેલ કે, સમીર અને તેના પત્ની સુગરાબેન બંને રાજકોટ સ્વિફ્ટ કાર લઈને ગયેલ હતા અને પરત આવતા હતા ત્યારે ઉપલેટા સાંઢીયા પુલ પાસે પહોંચતા ઉપલેટા તરફથી મોહસીન દિલાવર હિંગોરા, રોહન સિંધી તથા સાહિલ ઉર્ફે બાલો ઠેબાએ મોહસીનની સ્વીફ્ટ ગાડી સમીરની ગાડી સાથે ભટકાડી ગાડીમાં તોડફોડ કરેલ છે અને સમીર સાથે ઝઘડો કરે છે, જેથી આપણે ત્યાં જવાનું છે.
જે વાત કરતાં યુવકે ઘરમાંથી કુહાડી તથા લાકડી લઈને ઉપલેટા સાંઢીયા પુલ બાજુ જતા હતા ત્યારે નાગનાથ ચોકેથી ધોરાજી બાજુ સાંઢીયા પુલ બાજુ જતા સામેથી દિલાવર હિંગોરા જ્યુપીટર ગાડીમાં આવેલ અને ત્યાં તેનો દીકરો મોહસીન હીંગોરા છરી લઈને આવેલ અને તેઓને ઉભા રાખી મારવા લાગેલ હતાં. મોહસીને યુવકને માથામાં પાછળના ભાગે મારી નાખવાના ઇરાદે છરી મારી દીધેલ હતી. જેથી યુવકે હાથમાં રહેલ કુવાડીથી મોહસીનને મારેલ જેમા સામ સામે મારા મારી કરતા યુવકને માથાના ભાગે તથા હાથની આંગળીએ અને કાંડાના ભાગે છરી વાગેલ હતી. જે બાદ ફરીયાદી યુવકને સારવારમાં ખસેડેલ હતો.વધુમાં યુવકે બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેમના ભાઈ સમીરને રૂૂ.5 હજાર આપવાના હોય જે વાતનું મનદુખ રાખી મોહસીને પોતાની કારમાં અન્ય શખ્સો સાથે ઘસી આવી કાર ભટકાડી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો.
જ્યારે સામાપક્ષે ઉપલેટામાં સ્મશાન રોડ પર રહેતાં દિલાવરભાઈ ઓસમાણભાઈ હીંગોરા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યાસીન ઉર્ફે અકાડી હારુન ખાટકી, યુનુસ હારુન ખાટકી અને સમીર હારુન ખાટકીનું નામ આપી જણાવ્યું હતું કે,ગઈકાલે સાંજના આશરે સાડા છ વાગે તે ઘરે હતો ત્યારે સાહિલ ઉર્ફે બાલાનો ફોન આવેલ કે, હું તથા રોહન, મોહસીન સાથે તેની ફોરવીલમાં જતા હતા ત્યારે ઉપલેટાથી ધોરાજી રોડ ઉપર સાંઢીયા પુલ પાસે પહોંચતા મોહસીનની સ્વીફ્ટ કાર સામેથી આવતા સમીર હારૂૂન ખાટકીની કાર સાથે ભટકાયેલ છે અને સમીર તથા મોહસીન ઝઘડો છે તેવી વાત કરતા તેઓ બાઈક લઈને સાંઢીયા પુલ બાજુ જતો હતો અને નાગનાથ ચોકથી આગળ ધોરાજી રોડ ઉપર પહોંચતા ત્યાં સમીર ખાટકીના ભાઈ જેમાં યુનુસ ખાટકી હાથમાં લાકડી તથા યાસીન ઉર્ફે અકાડી કટારીયા હાથમાં કુહાડી લઈ પોતાના બાઈક પાસે ઉભા હતા.
જે બાદ પિતા-પુત્રને ગંભીર ઈજાઓ થયેલ હોય જેથી 108 મારફત સારવારમાં હોસ્પિટલમાં ખસેડેલ હતાં. જ્યાં તબીબે તપાસી જણાવેલ કે, તેમને જમણા પગમાં ઢીંચણથી નીચે કુહાડી મારતા ટુટી ગયેલ અને પગમાં ફેક્ચર છે અને બન્ને હાથમાં કાંડા પાસે કુહાડીના ઘા વાગતા ઈજાઓ થયેલ હતી. દીકરા મોહસીનને અકાડીએ કુહાડી મારતા ડાબા હાથની પ્રથમ ત્રણ આંગળીઓ કાપી નાખેલ હતાં. ઉપરાંત હાથની કોણીમાં, ગળામાં, ખંભાની હાંસડી પાસે તેમજ સાથળના ભાગે અને માથાના ભાગે કુહાડીનો ઘા મારતા ગંભીર ઈજા પહોંચી હતી.
જે બનાવના કારણ અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમનો દીકરો મોહસીન, તેના મીત્ર રોહન અને સોહીલ ઉર્ફે બાલો મોહસીનની સ્વીફ્ટ ગાડી લઈને ધોરાજી જતા હતા ત્યારે સાંઢીયાપુલ પર સમીરની કાર સાથે ગાડી ભટકાતા આ ચારેય વચ્ચે બોલાચાલી થયાં બાદ આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે બંને જૂથની ફરીયાદ લઈ હત્યાના પ્રયાસની કલમ હેઠળ કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી પીઆઈ એચ.એમ.ધાંધલ અને ટીમે તપાસ આદરી હતી.
