કાલાવડ-રણુજા હાઈવે પર શીતલ યુનિવર્સલ કારખાના નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસે સીએનજી રિક્ષાના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, મધ્યપ્રદેશના મૂળ વતની અને હાલ ધુતારપર ગામે રહેતા સુનીલભાઈ રુમસીંગ તડવી (ઉ.વ. 32)ના ભાઈ અનિલભાઈ રુમસીંગ તડવી (ઉ.વ. 30) તેમના હોન્ડા સીડી ડીલક્સ મોટરસાયકલ (રજી. નં. જીજે-10-સીઆર-3094) પર કાલાવડથી ધુતારપર જઈ રહ્યા હતા. તેમની પાછળ બીંદુબેન કરણભાઈ મોરે બેઠા હતા.
કાલાવડ-રણુજા હાઈવે પર શીતલ યુનિવર્સલ કારખાના નજીક પહોંચતા સામે તરફથી આવતી સીએનજી રિક્ષા (રજી. નં. જીજે-10-ટીડબલ્યુ-3531)ના ચાલકે પોતાની રિક્ષા પૂરઝડપે, બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલ સાથે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં અનિલભાઈ રુમસીંગ તડવીને માથા તેમજ શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ પાછળ બેઠેલા બીંદુબેન કરણભાઈ મોરે તથા રિક્ષામાં મુસાફરી કરી રહેલા દિનેશભાઈ રવજીભાઈ પરમારને પણ માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં સીએનજી રિક્ષાના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 106(1), 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયા ચલાવી રહ્યા છે.
