સુરતનું 50 વર્ષ જૂનું હીરા સામ્રાજય ખતરામાં, ઓડિશાની એન્ટ્રી

વૈશ્વિક સ્તરે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં અત્યારે પ્રયોગશાળામાં તૈયાર થતા હીરા એટલે કે ’લેબગ્રોન ડાયમંડ’નો દબદબો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ આધુનિક ઉદ્યોગમાં…

વૈશ્વિક સ્તરે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં અત્યારે પ્રયોગશાળામાં તૈયાર થતા હીરા એટલે કે ’લેબગ્રોન ડાયમંડ’નો દબદબો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ આધુનિક ઉદ્યોગમાં અત્યાર સુધી ગુજરાત અને ખાસ કરીને સુરતનું એકચક્રી શાસન રહ્યું છે. પરંતુ હવે ઓડિશા રાજ્યએ આ ક્ષેત્રે એક એવો માસ્ટરસ્ટ્રોક માર્યો છે, જેણે સુરતના હીરા ઉદ્યોગકારોની ઊંઘ ઉડાવી દીધી છે.ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની અધ્યક્ષતામાં મળેલી હાઈ-લેવલ ક્લિયરન્સ ઓથોરિટીની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓડિશાના ઇતિહાસમાં પ્રથમ વખત લેબ-ગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કુલ 9,817 કરોડ રૂૂપિયાના રોકાણના પ્રસ્તાવોને સત્તાવાર લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ કરોડોના આંધણ અને સરકારી પ્રોત્સાહનોને કારણે ઓડિશા હવે સુરત અને મુંબઈની જેમ વૈશ્વિક રત્નકલા ઉદ્યોગના નકશા પર સ્થાપિત થવા તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. ઓડિશા સરકારની આ આક્રમક જાહેરાત બાદ સુરતના ડાયમંડ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આજે પણ વૈશ્વિક સ્તરે સ્થિતિ એવી છે કે વિશ્વમાં કટ અને પોલિશ થતા દર 10 હીરામાંથી 9 હીરા એકમાત્ર સુરતમાં તૈયાર થાય છે. છેલ્લા 50 વર્ષોથી સુરતે આ વૈશ્વિક ઈજારાશાહી ભોગવી છે અને લાખો લોકોને રોજગારી આપી છે. પરંતુ ઓડિશા સરકાર દ્વારા ઉદ્યોગોને અપાતી જંગી સબસિડી અને અત્યંત સસ્તા વીજ-દર સામે ગુજરાતના ઉદ્યોગકારો માટે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બનશે. સુરતના હીરા ઉદ્યોગના વિકાસ પાછળ ત્યાંના કુશળ રત્નકલાકારોનો બહુ મોટો હાથ છે, જેમાં પરપ્રાંતીયોનો એક મોટો વર્ગ સામેલ છે.

જો ઓડિશામાં જ આટલો મોટો ઉદ્યોગ સ્થાપિત થશે, તો સુરતથી કારીગરો વધુ મજૂરી અને સારા આર્થિક લાભની લાલચે ઓડિશા તરફ પલાયન કરી શકે છે. જેના કારણે સુરતમાં કુશળ શ્રમિકોની ભારે તંગી સર્જાવાની ભીતિ છે.

આ ઉપરાંત, જો બે મોટા રાજ્યોમાં મોટા પાયે લેબ-ગ્રોન ડાયમંડનું ઉત્પાદન શરૂૂ થશે, તો બજારમાં ઓવર પ્રોડક્શન થવાની પૂરેપૂરી સંભાવના છે. માર્કેટમાં હીરાનો ભરાવો થતાં તેના ભાવ તળિયે બેસી જશે, જે આખા ઉદ્યોગને ભાંગી નાખશે અને અંતે મોટી બેરોજગારી લાવશે.

વેપારીઓની સરકાર પાસે આર્થિક પેકેજની માંગ
50 વર્ષની સખત મહેનતથી ઉભી થયેલી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર આવેલી આફતને ખાળવા માટે સુરતના અગ્રણી વેપારીઓએ ગુજરાત સરકાર પાસે તાકીદે મદદ માંગી છે. સ્થાનિક ઉદ્યોગને બચાવવા માટે વેપારીઓએ સરકાર સમક્ષ ખાસ આર્થિક પેકેજ, વીજળીના દરોમાં મોટી રાહત અને ટેક્સ ફ્રી ઝોન જેવી સવલતો જાહેર કરવા વિનંતી કરી છે. જો સમયસર યોગ્ય નીતિવિષયક આયોજન નહીં કરવામાં આવે, તો ગુજરાતના આર્થિક વિકાસના ગ્રોથ પર તેની અત્યંત માઠી અને લાંબાગાળાની અસર જોવા મળી શકે છે. ઓડિશાનો આ પડકાર સુરત માટે હવે માત્ર એક વ્યાપારી હરીફાઈ નથી, પણ અસ્તિત્વ ટકાવી રાખવાની જંગ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *