ખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધો

ખાંભા તાલુકાના નાનીધારી ગામના યુવકની કંથારીયા ગામના ચાર શખ્સોએ તલવારના ઘા ઝીંકી મોડી સાંજે હત્યા કરી નાખી હતી. કંથારીયાના યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ…

ખાંભા તાલુકાના નાનીધારી ગામના યુવકની કંથારીયા ગામના ચાર શખ્સોએ તલવારના ઘા ઝીંકી મોડી સાંજે હત્યા કરી નાખી હતી. કંથારીયાના યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે યુવતીને ભગાડી જઈ મૃતક યુવાને લગ્ન કર્યા હતા તેનો ખાર રાખી હત્યાની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો
યુવકની હત્યાની આ ઘટના સાંજના છએક વાગ્યાના સુમારે ખાંભા તાલુકાના નાનીધારીથી ઇંગોરાળા તરફ જતા રસ્તા પર બની હતી.

નાનીધારી ગામનો જયરાજ ઉર્ફે લાલો ગોદડભાઈ ધાખડા (ઉં. વ. 25) નામનો યુવાન પોતાના મોટરસાયકલ પર શક્તિ અમરૂૂભાઈ વાળા નામના યુવકને બેસાડી ઇંગોરાળા તરફ જતો હતો ત્યારે આ હત્યા થઈ હતી. જાફરાબાદ તાલુકાના કંથારીયા ગામનો મયુર વલકુભાઈ વરુ નામનો યુવાન 3 અજાણ્યા શખ્સો સાથે કારમાં ત્યાં ઘસી ગયો હતો. હત્યારાઓએ સૌપ્રથમ મૃતક જયરાજના બાઈક સાથે કાર અથડાવી હતી. જેના કારણે બંને જણા રોડ પર ફંગોળાઈ ગયા હતા. ત્યારબાદ ચારેય શખ્સોએ કારમાંથી ઉતરી તલવારના ધડાધડ ઘા ઝીંકી જયરાજની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ મારામારીમા શક્તિ નામના યુવકને પણ ઈજા પહોંચી હતી. હત્યા બાદ ચારેય શખ્સો ફરી કારમાં બેસી ત્યાંથી નાસી ગયા હતા.

પોલીસે સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યારા મયુરની સગાઈ અગાઉ ઇંગોરાળા ગામે કરવામાં આવી હતી. જે યુવતી સાથે સગાઈ કરાઈ હતી તે યુવતીને મૃતક જયરાજ છએક માસ પહેલા ભગાડી ગયો હતો અને તેની સાથે લગ્ન કર્યા હતા.

જે વાતનો ખાર રાખી ચાર શખ્સોએ જયરાજની હત્યા કરી નાખી હતી. ઘટનાને પગલે મૃતક જયરાજની લાશને પોસ્ટમોટમ માટે ખાંભા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે ખાંભા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાવરકુંડલાથી ડીવાયએસપી પણ ખાંભા દોડી ગયા હતા અને હત્યારાઓની શોધખોળ માટે એલસીબી સહિતની ટીમોને કામે લગાડાય છે. સ્થાનિક પીઆઈ કે. વી. ચુડાસમાએ જણાવ્યું હતું કે નાની ધારીના ગૌતમભાઈ ધીરુભાઈ વાળાની ફરિયાદ પરથી મયુર વલકુભાઈ વરુ તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસ હત્યારાઓને પકડવા જુદી જુદી ત્રણ દિશામાં તપાસ કરી રહી છે. મૃતક જયરાજ સાથે બાઈકમાં જઈ રહેલા શક્તિ અમરૂૂભાઈ વાળા નામના યુવકને પણ મારામારીમાં ઈજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *