અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે. જેના કારણે અનેક દેશોમાં ઇંધણના પુરવઠા અને મોંઘવારીને લઈને ચિંતા વધી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ડીઝલ અને જેટ ઇંધણ (ATF)ના નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં મોટો વધારો કર્યો છે. આ નવા દરો આજથી એટલે કે ગુરુવાર, 16 જુલાઈથી જ અમલી બની ગયા છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ ભાવ અનુસાર, ડીઝલના નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લીટર 8.5 રૂપિયાથી સીધો વધારીને 15.50 રૂપિયા કર્યો છે. આ ઉપરાંત, વિમાનમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ઇંધણ પરનો ટેક્સ પણ પ્રતિ લીટર 7.50 રૂપિયાથી વધારીને 14.5 રૂપિયા કર્યો છે.સરકારનું માનવું છે કે આ પગલાથી સ્થાનિક બજારમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે અને વૈશ્વિક સંકટની સીધી અસર સામાન્ય ગ્રાહકો પર ઓછી પડશે.
સરકાર સમયાંતરે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને કંપનીના નફાના માર્જિનના આધારે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે; આ ચાલુ પ્રક્રિયાના ભાગ રૂપે નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. જુલાઈમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે 17 ટકાનો વધારો થયો છે.
જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ વધશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં હજુ વધુ ઉછાળો આવી શકે છે. આવી સ્થિતિમાં ભારત સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂર પડશે તો વધુ પગલાં પણ લઈ શકે છે.
