ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પરંતુ તાજેતરમાં, અંબાજી મંદિરમાં રાત્રિ પૂજા કરવાની પરવાનગી આપવાના મુદ્દે એક મોટો કાનૂની અને ધાર્મિક વિવાદ સામે આવ્યો છે.
અમદાવાદના 2 સેવાભાવી ટ્રસ્ટો દ્વારા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેને પગલે પરંપરા, વહીવટી નિયમો અને ભક્તોના અધિકારો વચ્ચેનો આ વિવાદ હવે કાનૂની ચર્ચાના ચગડોળે ચડ્યો છે.
અરજદારોના જણાવ્યા મુજબ, અગાઉ મંદિર ખાતે રાત્રિ પૂજા માટે આશરે 30 જેટલા વિવિધ સેવાભાવી ટ્રસ્ટોને મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સંખ્યા ઘટાડીને માત્ર 9 ટ્રસ્ટો સુધી મર્યાદિત કરવામાં આવી છે. આ નિર્ણયને ભેદભાવપૂર્ણ અને પક્ષપાતી ગણાવીને અમદાવાદના નરોડા સ્થિત ’જય સીયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટ’ સહિત અન્ય એક સંસ્થાએ સંયુક્ત રીતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજદારોનો દાવો છે કે નવા નિયમથી અનેક વર્ષોથી સેવા આપતી સંસ્થાઓને અન્યાય થયો છે અને નિર્ણયની કાનૂની સમીક્ષા કરવાની જરૂૂર છે.
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અરજદાર ટ્રસ્ટોએ અંબાજી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટની મંજૂરી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અરજી મુજબ, રાત્રિ પૂજાની મંજૂરી અપાયેલા 9 ટ્રસ્ટો એક જ સમુદાય સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે, જેના કારણે અન્ય સેવાભાવી ટ્રસ્ટો અને સામાન્ય શ્રદ્ધાળુઓ સાથે ભેદભાવ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત, અગાઉ કેટલીક ફરિયાદો હોવા છતાં સરકારની ભલામણના આધારે 3 ચોક્કસ ટ્રસ્ટોને વિશેષ મંજૂરી આપવામાં આવી હોવાનો પણ આરોપ અરજીમાં મૂકવામાં આવ્યો છે. અરજદારોનું કહેવું છે કે ધાર્મિક પરંપરાઓ અને સેવા સંબંધિત વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય તેમજ તમામ પાત્ર સંસ્થાઓને સમાન તક મળે તે જરૂૂરી છે. અંબાજી મંદિરમાં રાત્રિ પૂજાની મર્યાદિત મંજૂરીના નિર્ણય અંગે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું છે કે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો છે.
અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં અને મંદિર પરિસરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી સ્તરે મર્યાદિત સંખ્યામાં ટ્રસ્ટોને જ રાત્રિ પૂજાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરકારે કોર્ટમાં રજૂ કર્યું છે. એક તરફ શ્રદ્ધાળુઓ અને સેવાભાવી ટ્રસ્ટોનું માનવું છે કે ધાર્મિક સેવા માટે તમામ પાત્ર સંસ્થાઓને સમાન તક મળવી જોઈએ અને કોઈપણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. બીજી તરફ, મંદિર પ્રશાસન માટે ભીડનું નિયંત્રણ, વીઆઈપી અવરજવર અને રાત્રિના સમયે સુરક્ષા સંબંધિત પ્રોટોકોલનું પાલન કરાવવું પણ એટલું જ મહત્વનું છે.
