જસદણના ગઢાળા ગામ પાસે ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની જુગાર ક્લબ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમે મધરાતે સપાટો બોલાવ્યો હતો. દરોડાથી જુગારધામ પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ચાર શખ્સને દબોચી લીધા હતા, જ્યારે ક્લબ સંચાલકો સહિત પાંચ શખ્સ અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂૂ. 61,100, એક ઇકો કાર, ત્રણ બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 4,71,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગઢાળા ગામના ખંભાળા-ભડલી રોડ પર મોટા પાયે ઘોડીપાસાનો જુગાર ચાલી રહ્યો છે. બાતમીના આધારે ટીમે કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો અને ઘટનાસ્થળેથી જેતપુરના નવાગઢના રજાક જમાલ ખોરાણી, બાબરાના કરીયાણા ગામના સંજય વાઘજી વાઘેલા, ગઢડા (સ્વામીના) ના લીંબડીયાના મુકેશ હિપા સરેલીયા અને બાબરાના કરીયાણા રોડ પર રહેતા મનિષ નાનજી મારૂૂને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ, દરોડા વખતે અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા ગઢાળાના સંજય સામત ગરાણીયા, બાબરાના સુરેશ મકવાણા, ગઢાળાના ભરત વાટુકીયા, તેમજ ખંભાળાના વલ્લભ કોળી અને બીજલ કોળી સામે ગુનો દાખલ કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, બાબરાનો સુરેશ મકવાણા અને ખંભાળાનો બીજલ કોળી બંને ભાગીદારીમાં આ ઘોડીપાસાની જુગાર ક્લબ ચલાવતા હતા.
આ નેટવર્ક એટલું મોટું હતું કે અહીં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ રાજકોટ, ગોંડલ અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી નામીચા ખેલીઓ નસીબ અજમાવવા આવતા હોવાનું ખુલ્યું હતું. હાલમાં જસદણ પોલીસ સ્ટેશનમાં તમામ નવ આરોપીઓ સામે ગુનો દાખલ કરી, નાસી છૂટેલા પાંચેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
