માણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયો

માણાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરખતરીયા દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વિના માણાવદરના બાંટવા હાઇવે ઉપર રસ્તો તોડી નાખવામાં આવતા સામાન્ય વાહનચાલકો…

માણાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરખતરીયા દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વિના માણાવદરના બાંટવા હાઇવે ઉપર રસ્તો તોડી નાખવામાં આવતા સામાન્ય વાહનચાલકો તંત્રની પાપલીલાનો ભોગ બની રહ્યા છે. માણાવદર તાલુકાના વેળવા ગામના વતની અને ટ્રક વ્યવસાય સાથે જોડાયેલા મુબીન શેખની ટ્રક અહીં બોડી કામ અર્થે આવેલી હતી. પરંતુ રસ્તો અચાનક તોડી નાખવામાં આવતા તેમની ટ્રક છેલ્લા એક અઠવાડિયાથી ત્યાં જ અવાવરુ હાલતમાં ફસાઈ ગઈ છે.

પીડિત ટ્રક માલિક મુબીનભાઈએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, તેમની આજીવિકા, ઘરનું ગુજરાન, ગાડીના હપ્તા અને મેન્ટેનન્સનો તમામ ખર્ચ માત્ર આ એક જ ટ્રકની કમાણી પર નિર્ભર છે. તંત્રના અણઘડ અને બેજવાબદાર નિર્ણયને કારણે છેલ્લા આઠ દિવસથી તેમનો ધંધો સંપૂર્ણ બંધ થઈ ગયો છે. ગાડી બહાર કાઢવાનો કોઈ રસ્તો ન હોવાથી તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે અને હવે આગળ કઈ લાઈન લેવી તે બાબતે તેમનું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું છે.

હપ્તા ભરવાની ચિંતામાં ડૂબેલા વાહનચાલકે ન્યાય મેળવવા માટે છેલ્લા ત્રણ-ચાર દિવસથી નગરપાલિકા કચેરીના ધક્કા ખાધા હતા, પરંતુ અધિકારી મળતા નહોતા. આજે જ્યારે ચીફ ઓફિસર સાથે મુલાકાત થઈ, ત્યારે તેમણે જનતા પ્રત્યે સંવેદનશીલતા દાખવવાને બદલે અત્યંત ઉદ્ધત જવાબ આપતા કહ્યું કે “તમે તમારી રીતે ગાડી બહાર કાઢી લો”. અધિકારીના આવા જવાબથી વ્યથિત થઈને ચાલકે સવાલ ઉઠાવ્યો છે કે માર્ગ તંત્રએ તોડ્યો છે, તો શું હવે સામાન્ય નાગરિક પોતાની જાતે નવો રસ્તો બનાવશે? વહીવટી તંત્રની આ જોહુકમી સામે હવે સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *