રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના કુંદણી ગામે રહેતા એક શખ્સને એસઓજીની ટીમે બે દેશી બનાવટની પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે આટકોટ નજીકથી દબોચી લીધો હતો પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં હથિયાર સપ્લાય કરનાર મિરઝાપુર અને વચેટિયા તરીકે અન્ય બે શખ્સોના નામ ખુલતા પોલીસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ હથિયારો સાથે આટકોટ નજીકથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસે આટકોટ પાસે વોચ ગોઠવીને જસદણના કુંદણી ગામે રહેતા મહેશ ઉર્ફે મહાવીર બાવકુભાઈ ખાચર (ઉંમર વર્ષ 24) નામના શખ્સને અટકાવી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેના કબજામાંથી દેશી બનાવટની બે પિસ્તોલ અને ચાર નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેને પોલીસે કાયદેસર રીતે જપ્ત કર્યા છે.
ધરપકડ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક પૂછપરછમાં આરોપી મહેશ ખાચરે હથિયાર રાખવા પાછળનું કારણ જણાવતા રટણ કર્યું હતું કે, તેની કોઈની સાથે માથાકૂટ ચાલતી હોવાથી પોતાની સુરક્ષા અથવા ડરના માર્યા તેણે આ હથિયારો રાખ્યા હતા. આરોપીની વધુ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ હથિયારો આશરે દોઢેક મહિના પહેલાં બોધરાવદરના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા મારફત મધ્યપ્રદેશના મીરઝાપુરના શાકીલ મન્સુરી નામના સપ્લાયર પાસેથી ખરીદવામાં આવ્યા હતા. આ પિસ્તોલ અને કારતૂસની ડિલિવરી લેવા માટે આરોપીઓ ચોટીલા સુધી ગયા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે આ બંને મુખ્ય સૂત્રધારો સપ્લાયર અને વચેટિયા ને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલ આરોપી મહેશ વિરુદ્ધ આ પૂર્વે પણ જસદણ અને ભાડલા પોલીસ મથકમાં પ્રોહિબિશન ના અડધો ડઝન જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એફ.એ.પારગી સાથે પીએસઆઈ જી.જે.ઝાલા, વિજયભાઇ વેગડ, ચાંદુભાઇ પલાળીયા, રણજીતભાઇ ધાધલ, વિપુલભાઇ ગોહિલ અને નવદીપભાઈ બાબરિયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
