રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ મિલિયન-ટ્રી ડ્રાઇવ યોજાશે, 13 જુલાઇએ દહેગામમાં અલગ-અલગ લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. દેશભરમાં પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂૂ કરાયેલા ’એક પેડ મા કે નામ’ ગ્લોબલ મિશનને આગળ ધપાવતા ગૃહમંત્રી આવતીકાલે ગુજરાતમાં એક અનોખા ઐતિહાસિક રેકોર્ડના સાક્ષી બનશે. વહીવટી તંત્ર અને વન વિભાગના સહયોગથી આવતીકાલે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને સંસ્થાઓમાં એકસાથે 1 કરોડથી વધારે વૃક્ષો વાવવાની વ્યાપક મિલીયન-ટ્રી ડ્રાઇવ લોન્ચ કરવામાં આવશે. ગૃહમંત્રી પોતે અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ જગ્યાઓ પર રૂૂબરૂૂ હાજર રહીને વૃક્ષારોપણ કરશે અને પ્રકૃતિ બચાવવાનો સંદેશ આપશે.
આ ભવ્ય પર્યાવરણીય મહોત્સવના ભાગરૂૂપે અમદાવાદના સાયન્સ સિટી ખાતે એક વિશાળ જાહેર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી ડિજિટલ માધ્યમથી રાજ્યવ્યાપી વૃક્ષારોપણ ઝુંબેશની પ્રગતિનું નિરીક્ષણ કરશે અને સાયન્સ સિટી ખાતે ઉપસ્થિત હજારો નાગરિકો, પર્યાવરણવિદો અને યુવાનોની મેદનીને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સદસ્યો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે, જેને પગલે સાયન્સ સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોતાના પ્રવાસના અંતિમ ચરણમાં 13 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર જિલ્લાના પ્રવાસે રહેશે. ગાંધીનગરમાં સ્થાનિક સત્તામંડળો સાથે બેઠક કરી તેઓ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે અને પાટનગરના નાગરિકો માટે નવી સુવિધાઓનું લોકાર્પણ કરશે. ત્યારબાદ, તેઓ દહેગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (અઙખઈ) ના એક ભવ્ય જાહેર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. સહકાર મંત્રી તરીકે અમિત શાહ દહેગામ એપીએમસી ખાતે ખેડૂતો માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલ્ડ સ્ટોરેજ અથવા નવીન ડિજિટલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે. દહેગામ ખાતે યોજાનારી આ જાહેરસભામાં મોટા પાયે સહકારી અગ્રણીઓ અને ગ્રામીણ જનતા ઉમટી પડશે, જેને લઈને અત્યારથી જ વહીવટી તજવીજ પૂર્ણ કરી લેવામાં આવી છે.
