લક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણું

રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર ગત રાત્રિના સુમારે બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે ગંભીર હિંસક અથડામણ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી…

રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર ગત રાત્રિના સુમારે બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે ગંભીર હિંસક અથડામણ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં સામસામે જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે, જેના પગલે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષો દ્વારા સામા-સામી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રિના આસપાસ લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલી મદિના મસ્જીદ પાસે જાહેર રોડ પર બની હતી.

પ્રથમ ફરિયાદ લક્ષ્મીનગરમાં રહેતા હનીફભાઈ હાજીઅલાઉદ્દીનભાઈ જોધપુરા દ્વારા નોંધાવવામાં આવી હતી. ફરિયાદ પક્ષ મુજબ, તેઓ તેમના મિત્રો સાથે મદિના મસ્જીદ પાસે ઉભા હતા ત્યારે સમીરભાઈ ઠાસરીયા, ફીરોઝભાઈ પીલુડીયા, ઇકબાલભાઈ ઠાસરીયા અને વસીમ ઠાસરીયા ત્યાં આવ્યા હતા. આ લોકો જૂની અદાવતનો ખાર રાખીને ગાળાગાળી કરવા લાગ્યા હતા અને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હનીફભાઈએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે સમીરભાઈ ઠાસરીયાએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ડાબા હાથની કલાઈ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, સમીરભાઈ ઇકબાલભાઈ ઠાસરીયા દ્વારા પણ સામા પક્ષે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમીરભાઈના જણાવ્યા મુજબ, તેઓ અને તેમના મિત્ર ફીરોઝભાઈ બાઈક પર જતા હતા ત્યારે મદિના મસ્જીદ પાસે હનીફભાઈ જોધપુરા અને તેમના સાથીદારોએ તેમને અટકાવી ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. ત્યારબાદ હનીફભાઈ, ફારુકભાઈ જોધપુરા, વસીમ હનીફભાઈ જોધપુરા અને પરવેઝ ફારુકભાઈ જોધપુરાએ ભેગા મળીને તેમને તથા તેમના પરિવારના સભ્યોને માર માર્યો હતો. સમીરભાઈએ પોલીસને જણાવ્યું હતું કે હનીફભાઈ જોધપુરાએ તેમના પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને ડાબા પગના સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, પથ્થરમારામાં તેમના નાના ભાઈ વસીમને પણ ઈજાઓ થઈ હતી અને તેઓ પણ સારવાર અર્થે હોસ્પિટલ પહોંચ્યા હતા.

માલવીયાનગર પોલીસે બંને ફરિયાદોને ગંભીરતાથી લઈને ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 352, 54 તથા જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ મામલાની તપાસ માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *