ચોર-ચક્કાઓના ત્રાસના કારણે ઓ.પી.ડી. વિભાગના ત્રણ માળના લેડિઝ-ટોઇલેટ એક મહિનાથી સંપૂર્ણ બંધ, જેન્ટ્સ ટોઇલેટમાં સાંજે 6થી સવારે 8 સુધી રજા
તસ્કરોથી નળ બચાવવા સ્ટાફની કઠણાઇ અને કબજિયાત બન્ને વધી ગયા, ‘પ્રેશર’ આવે તો ભાગા ભાગી કરવી પડે તેવી સ્થિતિ
વારંવાર વિવાદમાં રહેતી સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં ચોર-ચક્કા અને ગંજેરીઓનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે, ઓ.પી.ડી. વિભાગના શૈચાલયોને જ તાળામાં કેદ રાખવા પડયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. બિલ્ડિંગ કે જયાં મુખ્ય હોલ સિવાયની પ્રિમાઇસીસમાં સામાન્ય લોકોને પ્રવેશવાની જ મનાઇ છે. તેવા એરિયામાં ધુસીને તસ્કરો નળ ચોરી જતા હોવાથી ટોઇલેટને જ તાળા મારી દેવામાં આવતા ઓ.પી.ડી વિભાગના સ્ટાફની કઠણાઇ અને કબજીયાત બન્ને વધી ગયા છે.
મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને સેક્ધડ ફલોર મળી ત્રણ માળના ટોઇલેટના નળ બચાવવા માટે તાળા મારી દેવાની નોબત આવી છે.
આ ત્રણેય ફલોર ઉપર આવેલા લેડિઝ ટોઇલેટને તો છેલ્લા એક માસથી સંપૂર્ણ તાળા મારી દેવામાં આવ્યા છે. જયારે જેન્ટ્સ ટોઇલેટને સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી તાળા મારી દેવામાં આવતા હોવાથી સ્ટાફ ‘ઇમરજન્સી’ સમયે કફોડી હાલતમાં મુકાઇ જાય છે.
ઓ.પી.ડી વિભાગના સુત્રોનુ કહેવુ છે કે, ઓ.પી.ડી. વિભાગમાં ચોર-ચક્કાઓનો ભયંકર ત્રાસ છે. ટોઇલેટના નળ અવાર નવાર ચોરી જતા હોવાથી પાણીનો પણ વેડફાટ થાય છેે. જેના કારણે ટોઇલેટને જ તાળા મારી દેવામાં આવ્યા છે.
જો કે, નળચોરોના ત્રાસથી ટોઇલેટ બંધ કરી દેવાતા ઓ.પી.ડી.માં ફરજ બજાવતા સ્ટાફની હાલત કફોડી થઇ ગઇ છે. રાત્રીના સમયે સિક્યોરિટી સહિતના સ્ટાફને ‘ઇમરજન્સી’ પ્રેશર આવે તો અન્ય વોર્ડમાં દોડવુ પડે છે. સિવિલમાં ‘અંધેરી નગરીને ગંડુરાજા’ કહેવત મુજબ તસ્કરોના ત્રાસની સજા સ્ટાફને મળી રહી છે.
નળ માટે દરખાસ્ત કરે તો ઉલટાના ખુલાસા કરવા પડે
ઓ.પી.ડી. વિભાગના સ્ટાફનું કહેવુ છે કે, સિવિલ હોસ્પિટલમાં તસ્કરોનો એટલો ત્રાસ છે કે, ટોઇલેટમાં નળ ફિટ કર્યાના બીજા જ દિવસે ચોરાઇ જાય છે. ફરી નળ ફિટ કરાવવા માટે લેખિત દરખાસ્ત કરવી પડે છે. પરંતુ ઉલ્ટાના ખુલાસા માંગવામાં આવે છે કે, નળ ગયો કયાં ? જો ચોરી થયાનુ જણાવવામાં આવે તો ફરિયાદ કરી કે નહીં? તેવુ પૂછવામાં આવે છે. રૂા.150-200ની કિંમતના નળની ચોરીની ફરિયાદ કરવા કોઇ સ્ટાફ તૈયાર નથી જેના કારણે નળ બચાવવા ટોઇલેટને જ તાળા મારી દેવાયા છે. થોડા દિવસ પહેલા ધોળા દિવસે ટોઇલેટમાંથી નળ ચોરતા એક તસ્કરને રંગેહાથ ઝડપી લેવાયો હતો પરંતુ પોલીસ ફરિયાદ કરવાની માથાકૂટમાં પડવા કોઇ તૈયાર નહીં થતા તસ્કરને છોડી મુકાયો હતો. હવે આવા તસ્કરોથી નળ બચાવવા ‘તાળા’નો પ્રયોગ કરાયો છે.
